પંજાબના ફગવાડા ખાતે આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)માં કથિત દુષ્કર્મની અફવાને કારણે ભારે ઉગ્ર વિરોધ થયો છે. સેંકડો વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાંથી બહાર આવીને જલંધર-ફગવાડા નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને કેમ્પસમાં તોડફોડ તથા આગચંપીની ઘટનાઓ સામે આવી હતી.
વિવાદની શરૂઆત જી-3 હોસ્ટેલથી થઈ હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે જી-3 હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિની સાથે કથિત રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને યુનિવર્સિટી મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિદ્યાર્થિની ગુમ થઈ ગઈ છે. આ મેસેજ વાઇરલ થતાં જ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો અને 26-27 સપ્ટેમ્બરની રાત્રે અંદાજે બે વાગ્યે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોસ્ટેલની બહાર એકઠા થઈ ગયા હતા.
આ મામલે જલંધર રેન્જના ડીઆઈજી નવીન સિંગલા અને ફગવાડાના એસપી મેજર સિંહે સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાયેલા દુષ્કર્મ અને વિદ્યાર્થિનીના લાપતા હોવાના સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસના જણાવ્યા મુજબ, આ સંબંધમાં ન તો કોઈ સત્તાવાર ફરિયાદ મળી છે અને ન તો કથિત પીડિતાની ઓળખ કે કોઈ નક્કર વિગતો સામે આવી છે.
બીજી બાજુ, જે હોસ્ટેલના રૂમ નંબર 503 વિશે ચર્ચા થઈ રહી છે ત્યાંની વિદ્યાર્થિનીઓએ આવી કોઈ પણ ઘટના બન્યાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. યુનિવર્સિટીના કુલપતિ (વાઈસ ચાન્સેલર) ડૉ. જસપાલ સિંહ સંધુએ સમગ્ર ઘટનાને અફવા ગણાવતા જણાવ્યું છે કે યુનિવર્સિટી પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહી છે અને સત્ય બહાર લાવવા માટે વિદ્યાર્થીઓની એક વિશેષ સમિતિ પણ બનાવવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને અન્ય પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.