પંજાબના જાલંધરમાં આવેલી લવલી પ્રોફેસનલ યુનિવર્સિટી (LPU) ખાતે શનિવારે મોડી રાત્રે હિંસક વિરોધ પ્રદર્શન થયું હતું. અંદાજે 2,000 વિદ્યાર્થીઓએ કેમ્પસમાં તોડફોડ કરી, બારીઓના કાચ તોડ્યા, ઈંટો અને કૂંડાં ફેંક્યા અને કેટલીક ઇમારતોમાં આગ ચાંપી હતી. વિરોધને કારણે જાલંધર નેશનલ હાઈવે પર કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
વિદ્યાર્થીઓનો આરોપ હતો કે કેમ્પસમાં એક વિદ્યાર્થીની સાથે કથિત દુષ્કર્મ થયું હતું. ત્યારબાદ તેને ઘરે મોકલી દેવાઈ હતી, જ્યાં તેણે માનસિક આઘાતમાં આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે યુનિવર્સિટી પ્રશાસન અને સિક્યોરિટી ગાર્ડ્સ આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ જાલંધર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓને શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા. રવિવારે સવારે પણ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના મુખ્ય દરવાજે ધરણા ચાલુ રાખ્યો હતો.
આ મામલે LPUના રજિસ્ટ્રાર ડૉ. મોનિકા ગુલાટીએ સત્તાવાર નિવેદનમાં દુષ્કર્મના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી અફવાઓ ફેલાવી રહ્યા છે. આ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું અને શાંતિપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ ડહોળવાનું સુઆયોજિત ષડયંત્ર હોઈ શકે છે.
પ્રશાસને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે આવી કોઈ અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને માત્ર યુનિવર્સિટીના સત્તાવાર માધ્યમો દ્વારા મળતી માહિતી પર જ ભરોસો રાખવો.
જાલંધરના SSP ગૌરવ તૂરાના જણાવ્યા મુજબ, અત્યાર સુધી પોલીસને આ ઘટનાની પુષ્ટિ કરતો કોઈ પુરાવો મળ્યો નથી અને પોલીસ પાસે કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની મિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હાઈવે હવે ખુલ્લો કરી દેવાયો છે અને સ્થિતિ કાબૂમાં છે. પોલીસ પ્રશાસન દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.