સત્ય. સાહસ. સંકલ્પ.

LPG સિલિન્ડર પર કંપનીઓની ખોટ ડિસેમ્બરમાં રૂ. 370 સુધી પહોંચવાની ધારણા

LPG સિલિન્ડર પર કંપનીઓની ખોટ ડિસેમ્બરમાં રૂ. 370 સુધી પહોંચવાની ધારણા

ડિસેમ્બર 2026માં ઘરેલુ એલપીજી (LPG) સિલિન્ડર પર તેલ કંપનીઓની 'અંડર-રિકવરી' મહિનાવાર ધોરણે લગભગ 13 ટકા વધીને 14.2 કિલોગ્રામના સિલિન્ડર દીઠ રૂ. 370 સુધી પહોંચવાની ધારણા છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL)ના ડિરેક્ટર (ફાઇનાન્સ) અનુજ જૈને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે નવેમ્બર 2026માં ઘરેલુ સિલિન્ડર પર અંડર-રિકવરી લગભગ રૂ. 309 છે અને ડિસેમ્બરમાં તે રૂ. 370 સુધી પહોંચી શકે છે.

જૈને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી સીપી (પ્રોપેનનો સંદર્ભ ભાવ) વધીને $756 પ્રતિ ટન થઈ ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સપ્ટેમ્બર 2026માં અંડર-રિકવરી પ્રતિ સિલિન્ડર રૂ. 184 હતી, જે ઓક્ટોબરમાં રૂ. 229 થઈ અને નવેમ્બરમાં રૂ. 309 થવાની ધારણા છે. ડિસેમ્બરમાં તે રૂ. 370 થઈ શકે છે.

અંડર-રિકવરી એટલે શું?

સરળ શબ્દોમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ વધતા સ્થાનિક સિલિન્ડર તેની વાસ્તવિક ખરીદી કિંમત કરતાં ઓછા ભાવે વેચાઈ રહ્યો છે. ડિસેમ્બર 2026માં સિલિન્ડરનું ઉત્પાદન, પરિવહન અને વેચાણ કરવાનો ખર્ચ બજાર ભાવ કરતાં રૂ. 370 વધારે રહેવાનો અંદાજ છે. દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ રૂ. 942 છે. આમ, ગ્રાહકને સિલિન્ડર તેની વાસ્તવિક કિંમત કરતાં રૂ. 370 ઓછો મળી રહ્યો છે અને આ તફાવત તેલ કંપનીઓ ઉપાડી રહી છે.

બીજી કંપનીઓની સ્થિતિ

બીજી બે સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓની સ્થિતિ પણ સમાન છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)એ અનુક્રમે રૂ. 17,334.40 કરોડ અને રૂ. 18,048.82 કરોડની અંડર-રિકવરી નોંધાવી છે. આટલી મોટી ખોટ કંપનીઓને કેન્દ્ર સરકારના નાણાકીય પેકેજ પર નિર્ભર બનાવે છે.

સરકાર તરફથી વળતર ન મળે ત્યાં સુધી કંપનીઓ ક્રોસ-સબસિડાઇઝેશનનો રસ્તો અપનાવે છે. એટલે કે ઘરેલુ એલપીજી પરની ખોટ સરભર કરવા માટે વાણિજ્યિક એલપીજી, ઉડ્ડયન બળતણ અથવા રિફાઇનિંગના નફાનો ઉપયોગ કરે છે.