સત્ય. સાહસ. સંકલ્પ.

LPG સબસિડી માટે e-KYC આજે અંતિમ દિવસ: કાલથી બંધ થશે લાભ, બજાર ભાવે મળશે સિલિન્ડર

LPG સબસિડી માટે e-KYC આજે અંતિમ દિવસ: કાલથી બંધ થશે લાભ, બજાર ભાવે મળશે સિલિન્ડર

કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબર 2026થી સબસિડીવાળા રાંધણગેસ સિલિન્ડર બુક કરાવવા માટે બાયોમેટ્રિક અથવા આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કર્યું છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે આજે (30 સપ્ટેમ્બર 2026) છેલ્લો દિવસ છે. જે ગ્રાહકો આજ સુધીમાં e-KYC નહીં કરાવે, તેમને સબસિડીનો લાભ મળવાનું બંધ થઈ જશે અને તેમને પૂરા બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ નિર્ણયનો મુખ્ય હેતુ બોગસ અને એકથી વધુ કનેક્શન અટકાવવાનો, તથા સબસિડી ફક્ત જરૂરિયાતમંદ પરિવારો સુધી જ પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. ઘરગથ્થુ ઉપયોગ માટે મળતા સબસિડીવાળા સિલિન્ડરનો વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં થતો ગેરકાયદેસર ઉપયોગ રોકવા તથા વિતરણને પારદર્શક બનાવવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે.

સપ્ટેમ્બર 2026ના આંકડા મુજબ, પ્રતિ સિલિન્ડર અંદાજે રૂ. 210 સબસિડી મળે છે, જે અગાઉ રૂ. 721 સુધી પહોંચી હતી. e-KYC નહીં કરાવનાર ગ્રાહકોને 14.2 કિલોનો સિલિન્ડર બજાર ભાવે ખરીદવો પડશે, જે તેમના માટે મોટું આર્થિક નુકસાન સાબિત થઈ શકે છે.

જે ગ્રાહકો આધાર ઓથેન્ટિકેશન નહીં કરાવે તેમણે ઓઈલ કંપનીઓની ડિજિટલ ચેનલો પર જઈને વિકલ્પ નોંધાવવો પડશે અને સબસિડી વગર 5 કિલો કે 10 કિલોના સિલિન્ડર બજાર ભાવે ખરીદવા પડશે. આ સિલિન્ડર મળવો કે ન મળવો સ્થાનિક ઉપલબ્ધતા પર આધારિત રહેશે અને આધાર વગર સામાન્ય બુકિંગ થઈ શકશે નહીં.

ગેસ એજન્સી પર લાંબી લાઈનોમાં ઊભા રહીને e-KYC કરાવવાથી સમયનો વ્યય થશે અને સિલિન્ડર મેળવવામાં વિલંબ થઈ શકે છે. ખાસ કરીને ગ્રામીણ અને વયસ્ક ગ્રાહકો માટે મોબાઈલ એપ દ્વારા ફેસ કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવું પડકારજનક બની શકે છે, જેના કારણે તેમને એજન્સીના ધક્કા ખાવા પડી શકે છે.

ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આજે જ પોતાના ગેસ એજન્સી પર જઈને અથવા ઓઈલ કંપનીની એપ દ્વારા e-KYC પૂર્ણ કરાવે, જેથી સબસિડીનો લાભ ચાલુ રહે.