સત્ય. સાહસ. સંકલ્પ.

૧ ઓક્ટોબરથી LPG સબસિડી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત, ઘરે બેઠા કરી શકાશે

૧ ઓક્ટોબરથી LPG સબસિડી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત, ઘરે બેઠા કરી શકાશે

૧ ઓક્ટોબર ૨૦૨૬થી ઘરેલુ LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે સબસિડીવાળા ગેસ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ નિયમ સબસિડીનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા અને ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા માટે લાગુ કરાયો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકોએ અગાઉથી આ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, તેમણે ફરી કંઈ કરવાની જરૂર નથી. દેશમાં ૧૯ સપ્ટેમ્બર સુધીમાં આશરે ૨૭.૪૩ કરોડ એટલે કે લગભગ ૮૯.૯ ટકા સક્રિય ગ્રાહકોએ આ ચકાસણી પૂરી કરી લીધી છે.

જે ગ્રાહકોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂરી નથી કરી, તેમના માટે ત્રણ સરળ વિકલ્પો ઉપલબ્ધ છે:

૧. ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતા કર્મચારી મારફતે ગ્રાહકો આ કામ કરાવી શકે છે. ડિલિવરી પર્સન પોતાની કંપનીની મોબાઇલ એપ દ્વારા સ્થળ પર જ ઓથેન્ટિકેશન પૂરું કરી આપશે.

૨. જે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરતા, તેઓ સીધા પોતાની સંબંધિત ગેસ એજન્સીના શોરૂમ પર જઈને ત્યાંના સ્ટાફ પાસે પોતાની ઓળખ ચકાસણી કરાવી શકે છે.

૩. ગ્રાહકો પોતાના મોબાઇલ ફોનથી ઘરે બેઠા આ કામ કરી શકે છે. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો ‘IndianOil One’, ભારતગેસના ગ્રાહકો ‘Hello BPCL’ અને એચપી ગેસના ગ્રાહકો ‘HP Pay’ એપ દ્વારા પ્રક્રિયા પૂરી કરી શકે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પોર્ટલ પર જાતે ઇ-કેવાયસી કરવા માટે વીડિયો માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

જો કોઈ ગ્રાહક આ પ્રક્રિયા પૂરી નહીં કરે તો પણ તેમનું ગેસ કનેક્શન બંધ થશે નહીં. સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે, પરંતુ તેમને સરકાર તરફથી મળતી ગેસ સબસિડીનો લાભ મળશે નહીં અને બજાર ભાવે જ સિલિન્ડર ખરીદવો પડશે. આ સિવાય વિકલ્પ પસંદ કરવા માટે ગ્રાહકે પોર્ટલ, એપ, વોટ્સએપ કે IVRS દ્વારા નોંધણી કરાવવી પડશે. ઓથેન્ટિકેશન વગરના ગ્રાહકોને ઉપલબ્ધતા મુજબ માત્ર ૫ કિલો કે ૧૦ કિલોવાળા નાના સિલિન્ડર મળવાપાત્ર રહેશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય હેતુ સબસિડીનો લાભ સાચા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાનો અને બોગસ કે અયોગ્ય ગેસ કનેક્શનો રદ કરવાનો છે. આ સિવાય ઘરેલુ ગેસ સિલિન્ડરનો ગેરકાયદે કોમર્શિયલ કે ઔદ્યોગિક વપરાશ અટકાવવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે.

સરકાર હાલમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર મૂળ પડતર કિંમત કરતાં ઓછા ભાવે ગ્રાહકોને આપી રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં ૧૪.૨ કિલોના સિલિન્ડર પર પરોક્ષ સબસિડી આશરે ૨૧૦ રૂપિયા હતી, જ્યારે જૂન ૨૦૨૬માં આ રકમ પ્રતિ સિલિન્ડર ૭૨૧ રૂપિયા સુધી પહોંચી હતી. ઓઇલ કંપનીઓને થતા આ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે છે.