સત્ય. સાહસ. સંકલ્પ.

LPG સબસિડી: 1 ઓક્ટોબરથી બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત, 89.9% ગ્રાહકોએ પ્રક્રિયા પૂર્ણ કરી

LPG સબસિડી: 1 ઓક્ટોબરથી બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત, 89.9% ગ્રાહકોએ પ્રક્રિયા પૂર્ણ કરી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેર કર્યું છે કે 1 ઓક્ટોબર 2026થી સબસિડીવાળા ઘરેલુ LPG રિફિલ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA) ફરજિયાત બનશે. જે ગ્રાહકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, તેમણે ફરીથી કંઈ કરવાની જરૂર નથી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બર 2026 સુધીમાં 27.43 કરોડ સક્રિય ઘરેલુ LPG ગ્રાહકોએ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરી લીધું છે, જે કુલ ગ્રાહકોના આશરે 89.9 ટકા છે. બાકી રહેલા ગ્રાહકોને 1 ઓક્ટોબર પહેલાં ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.

સરકારના જણાવ્યા મુજબ, આ નિયમનો હેતુ સબસિડીનો લાભ વાસ્તવિક અને પાત્ર પરિવારો સુધી પહોંચાડવાનો છે. તેનાથી ડુપ્લિકેટ અથવા અપાત્ર કનેક્શન્સની ઓળખ કરવામાં અને ઘરેલુ LPGના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ માટેના ડાયવર્ઝનને રોકવામાં મદદ મળશે.

બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન કેવી રીતે કરાવવું? ડિલિવરી કર્મચારી OMCની મોબાઈલ એપ દ્વારા સ્થળ પર જ ઓથેન્ટિકેશન કરી શકે છે. ગ્રાહકો પોતાના LPG વિતરક પાસે જઈને પણ આ પ્રક્રિયા કરાવી શકે છે. ઘરે બેઠા મોબાઈલ એપ દ્વારા પણ ઓથેન્ટિકેશન શક્ય છે. ઈન્ડિયનઓઇલના ગ્રાહકો IndianOil ONE, ભારત ગેસના ગ્રાહકો HelloBPCL અને HP ગેસના ગ્રાહકો HP PAY એપનો ઉપયોગ કરી શકે છે. PMUY પોર્ટલ પર self e-KYC ની પ્રક્રિયા સમજાવતા વિડિયો ટ્યુટોરિયલ પણ ઉપલબ્ધ છે.

ઓથેન્ટિકેશન ન કરાવનારા ગ્રાહકોને LPG મળવાનું બંધ નહીં થાય, પરંતુ તેમને સબસિડી વગર બજાર કિંમતે 5 કિલો કે 10 કિલોના સિલિન્ડર મળશે, જે સ્થાનિક ઉપલબ્ધતાને આધીન રહેશે. આવા ગ્રાહકોએ પોતાની OMCના ડિજિટલ માધ્યમો (વેબ પોર્ટલ, મોબાઈલ એપ, WhatsApp ચેટબોટ, IVRS વગેરે) દ્વારા પોતાની પસંદગી નોંધાવવી પડશે.

ઉલ્લેખનીય છે કે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનની શરૂઆતી સમયમર્યાદા 30 જૂન હતી, જેને ગ્રાહકોને વધારાનો સમય આપવા માટે ઘણી વખત લંબાવવામાં આવી હતી. અંતિમ સમયમર્યાદા 14 સપ્ટેમ્બર 2026 રહી હતી. ઓક્ટોબર 2023થી OMCs દ્વારા વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં SMS અને WhatsApp મેસેજ, ખાસ કેમ્પ, IVRS મેસેજ, મોબાઈલ નોટિફિકેશન તથા અન્ય માધ્યમોનો સમાવેશ થાય છે.

ગેસ સબસિડી અંગેના આંકડા જોઈએ તો, સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોના સિલિન્ડર પર અંદાજિત ઈમ્પ્લિસિટ સબસિડી આશરે 210 રૂપિયા છે, જ્યારે જૂન 2026માં તે પ્રતિ સિલિન્ડર આશરે 721 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. સરકારે FY 2022-23માં OMCsને 22,000 કરોડ રૂપિયાનું વળતર આપ્યું હતું અને FY 2025-26 તથા FY 2026-27 દરમિયાન 30,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરી રહી છે.