કેન્દ્ર સરકારે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં એલપીજી રિફિલ બુકિંગનો સમયગાળો સમાન કરી દીધો છે. હવે તમામ ઘરેલું એલપીજી ગ્રાહકો 25 દિવસના અંતરે રિફિલ બુક કરી શકશે. અગાઉ શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસનો નિયમ હતો.
કેન્દ્રીય પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પર્યટન રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ સોમવારે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે મધ્ય પૂર્વના સંઘર્ષ બાદ એલપીજી સપ્લાય પર દબાણ હતું, જેના કારણે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હાલમાં સપ્લાયની સ્થિતિ સુધરી હોવાથી સરકારે આ નિયમ હટાવી દીધો છે.
સુરેશ ગોપીએ પોતાના ફેસબુક પોસ્ટમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને (ઓએમસી) આ ફેરફાર તાત્કાલિક લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ઓએમસીને મોકલેલા પત્રની કોપી પણ શેર કરી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, આ નિર્ણય બાદ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોના ગ્રાહકોને સમાન સમયગાળામાં રિફિલ બુક કરવાની સુવિધા મળશે. જોકે, જમીની સ્તરે આ ફેરફાર ક્યારથી અમલમાં આવશે તે અંગે હજુ સ્પષ્ટ માહિતી નથી.