સત્ય. સાહસ. સંકલ્પ.

LPG e-KYC: આજે છેલ્લો દિવસ, આવતીકાલથી સબસિડી અને બુકિંગ બંધ થવાની શક્યતા

LPG e-KYC: આજે છેલ્લો દિવસ, આવતીકાલથી સબસિડી અને બુકિંગ બંધ થવાની શક્યતા

જો તમે તમારા ઘરેલુ LPG કનેક્શનનું e-KYC હજુ સુધી કરાવ્યું નથી, તો આજે જ તે કરાવી લેવું જરૂરી છે. 1 ઓક્ટોબરથી 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડર માટે e-KYC ફરજિયાત થઈ જશે. જે ગ્રાહકોનું ઓથેન્ટિકેશન પૂર્ણ નહીં થાય, તેમને આવતીકાલથી 14.2 કિલોના સિલિન્ડરનું બુકિંગ અને સબસિડી બંને બંધ થઈ શકે છે.

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, 19 સપ્ટેમ્બર સુધીમાં 27.43 કરોડ સક્રિય ઘરેલુ LPG કનેક્શન પૈકી 89.9%નું e-KYC પૂર્ણ થઈ ચૂક્યું છે. જે ગ્રાહકોનું ઓથેન્ટિકેશન બાકી છે, તેમના માટે સબસિડીવાળી રિફિલ બુકિંગ ઓથેન્ટિકેશન પૂર્ણ થયા બાદ જ શરૂ થશે.

e-KYC ન કરાવવાથી શું નુકસાન થશે? સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવા માંગતા નથી અથવા અસમર્થ છે, તેમને પણ સિલિન્ડર મળશે, પરંતુ તેમણે ડિજિટલ ચેનલ, એપ, વોટ્સએપ અથવા IVRS મારફતે પોતાનો વિકલ્પ પસંદ કરવો પડશે. e-KYC વગરના ગ્રાહકો માટે 14.2 કિલોના નિયમિત સિલિન્ડરનું બુકિંગ બંધ થઈ જશે. તેમને ફક્ત 5 કિલો અને 10 કિલોના ફ્રી-ટ્રેડ (કોમર્શિયલ દરે મળતા) સિલિન્ડર મળશે, જેના પર કોઈ સરકારી સબસિડી મળશે નહીં. જો ગ્રાહક પછીથી વેરિફિકેશન પૂર્ણ કરે છે, તો તેમના નિયમિત 14.2 કિલોના સિલિન્ડરની બુકિંગ અને સબસિડી ફરી શરૂ થઈ જશે.

e-KYCની સમયમર્યાદા અગાઉ વારંવાર લંબાવવામાં આવી હતી. શરૂઆતમાં 30 જૂન, 2026 નક્કી કરાયેલી તારીખ પછી 31 જુલાઈ, 7 ઑગસ્ટ, 15 ઑગસ્ટ, 23 ઑગસ્ટ, 31 ઑગસ્ટ, 7 સપ્ટેમ્બર અને અંતે 14 સપ્ટેમ્બર સુધી મુદત વધારવામાં આવી હતી, જેથી ગ્રાહકોને પૂરતો સમય મળી શકે.

સરકારના આંકડા મુજબ, સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોના સિલિન્ડર પર આશરે ₹210 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. તેલ કંપનીઓનું ઘરેલુ LPG પરનું બાકી નુકસાન 31 ઑગસ્ટ 2026 સુધીમાં ₹62,000 કરોડને પાર કરી ચૂક્યું છે.

મોબાઇલ એપ દ્વારા e-KYC કેવી રીતે કરવું? ગેસ એજન્સીની એપ ખોલીને ફેસ ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરો. જો ફેસ ઓથેન્ટિકેશન ફેલ થાય તો ગભરાશો નહીં, એપ ફરીથી ખોલીને ફરી પ્રયાસ કરો. ધ્યાન રાખો કે ચહેરા પર પૂરતો પ્રકાશ હોય અને મોબાઇલ સ્થિર રહે. ફેસ સ્કેન થયા પછી એપમાં ‘e-KYC સફળ’નું સ્ટેટસ ચોક્કસ તપાસો. ફક્ત ફેસ સ્કેન થઈ જવાથી e-KYC પૂર્ણ થઈ ગયું છે એવું ન માનો. જો સ્ટેટસ સફળ દેખાય નહીં, તો ગેસ એજન્સી પાસેથી તમારા ગ્રાહક રેકોર્ડમાં e-KYCનું સ્ટેટસ કન્ફર્મ કરાવો.

ઓફલાઇન e-KYC માટે બે વિકલ્પો: પ્રથમ, નજીકની ગેસ એજન્સીમાં જઈને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી શકાય છે. બીજો, સિલિન્ડર ડિલિવરી કર્મચારી ઘરે સિલિન્ડર પહોંચાડવા આવે ત્યારે તેમની પાસે ઉપલબ્ધ સત્તાવાર ડિવાઇસ દ્વારા પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી શકાય છે.