સત્ય. સાહસ. સંકલ્પ.

10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં જાળવણી ખર્ચ ઓછો, જાણો કિંમત

10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં જાળવણી ખર્ચ ઓછો, જાણો કિંમત

ભારતીય ઓટોમોબાઈલ બજારમાં દરરોજ નવી કાર લોન્ચ થાય છે. પણ જ્યારે સામાન્ય કે મધ્યમ વર્ગનો પરિવાર નવી કાર ખરીદવાનું નક્કી કરે છે, ત્યારે તે ફક્ત કારની શરૂઆતની કિંમત જ નહીં, પણ દર મહિને થતો પેટ્રોલ-ડીઝલનો ખર્ચ અને સમયસર આવતું સર્વિસિંગ બિલ પણ જુએ છે. એટલે યોગ્ય કારની પસંદગી કરવી જરૂરી બને છે.

જો તમારું બજેટ 10 લાખ રૂપિયા સુધીનું છે અને તમે એવી કાર ઈચ્છો છો જેની જાળવણી સસ્તી હોય, તો બજારમાં કેટલાક સારા વિકલ્પો છે. ઓટોમોબાઈલ નિષ્ણાતોના મતે આ કારના સ્પેરપાર્ટ્સ સસ્તા મળે છે અને વાર્ષિક સર્વિસિંગ બિલ પણ ઓછું આવે છે. ચાલો જાણીએ આ કાર વિશે.

મારુતિ સુઝુકીની બે લોકપ્રિય કાર

મારુતિ સુઝુકી અલ્ટો K10 લાંબા સમયથી એન્ટ્રી-લેવલ હેચબેક સેગમેન્ટમાં વિશ્વસનીય કાર તરીકે ઓળખાય છે. આ કારની મિકેનિઝમ સરળ રાખવામાં આવી છે, જેથી જાળવણીનો ખર્ચ ઓછો આવે છે. ઓટોમોબાઈલ સર્વિસ ડેટા અનુસાર, 5 વર્ષ દરમિયાન નિયમિત સર્વિસિંગનો ખર્ચ લગભગ 15,000 રૂપિયા આવે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 3.70 લાખથી 5.45 લાખ રૂપિયા સુધીની છે.

બીજી તરફ, મારુતિ સુઝુકી વેગનઆર પોતાની ઊંચી અને આકર્ષક ડિઝાઇન સાથે મધ્યમ વર્ગના પરિવારો માટે વ્યવહારુ પસંદગી છે. ઉત્તમ કેબિન સ્પેસ અને વિશ્વસનીય K-સિરીઝ એન્જિન ધરાવતી આ કારની સૌથી મોટી ખાસિયત ઓછો જાળવણી ખર્ચ છે. એક અહેવાલ મુજબ વેગનઆરનો સરેરાશ વાર્ષિક જાળવણી ખર્ચ લગભગ 3,600 રૂપિયા આવે છે. રિફાઈન્ડ એન્જિનના કારણે વારંવાર બગડવાની સમસ્યા રહેતી નથી. આ કાર 4.99 લાખથી 7.24 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે.

મજબૂત બિલ્ડ ક્વોલિટી સાથે ટાટા ટિયાગો

જો તમે 10 લાખ રૂપિયાના બજેટમાં મજબૂત બિલ્ડ ગુણવત્તા અને ઓછા મેન્ટેનન્સનું સારું કોમ્બિનેશન શોધી રહ્યા છો, તો ટાટા ટિયાગો સારો વિકલ્પ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટાટા મોટર્સે સર્વિસ ડિલિવરી અને સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતામાં સુધારો કર્યો છે, જેથી ટિયાગોનું શેડ્યુલ્ડ સર્વિસિંગ સસ્તું પડે છે. કારનું મજબૂત માળખું સસ્પેન્શન અને અન્ય યાંત્રિક ભાગો પરનો ઘસારો ઘટાડે છે, જેથી ભવિષ્યમાં મોંઘા સમારકામની શક્યતા ઘટે છે. આ હેચબેક કારની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 4.77 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ મોડલ 8.62 લાખ રૂપિયા સુધી જાય છે.

પ્રીમિયમ ફીચર્સ આપતી હ્યુન્ડાઇ અને નિસાન

હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 નિઓસ પ્રીમિયમ હેચબેક છે, જે સ્મૂધ 4-સિલિન્ડર એન્જિન અને આરામદાયક રાઇડ ક્વોલિટી માટે પ્રખ્યાત છે. હ્યુન્ડાઇનું દેશભરમાં વેચાણ પછીની સેવાનું વિશાળ નેટવર્ક છે. કંપની સમયાંતરે સેવા પેકેજ પણ આપે છે, જે ખિસ્સાને પરવડે તેવા હોય છે. તેના વિન્ડસ્ક્રીન અને કાચના અન્ય ભાગ વાજબી ભાવે મળે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 5.60 લાખથી શરૂ થઈને 8.09 લાખ રૂપિયા સુધીની છે.

જો 10 લાખથી ઓછા બજેટમાં હેચબેકને બદલે કોમ્પેક્ટ એસયુવી ખરીદવી હોય, તો નિસાન મેગ્નાઇટ સારો વિકલ્પ છે. 4-મીટર SUV સેગમેન્ટમાં આવતા આ વાહનનો જાળવણી ખર્ચ સામાન્ય હેચબેક જેટલો જ આવે છે. કંપનીના સત્તાવાર ડેટા મુજબ, તેનો વાર્ષિક સર્વિસિંગ ખર્ચ આશરે 3,200 રૂપિયા છે. SUV સેગમેન્ટમાં આ ખર્ચ દેશમાં સૌથી ઓછો માનવામાં આવે છે. આ SUVની એક્સ-શોરૂમ કિંમત 5.68 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 11.16 લાખ રૂપિયા સુધી જાય છે.