પોતાનો વ્યવસાય શરૂ કરવાનું દરેક વ્યક્તિ સ્વપ્ન જુએ છે, પરંતુ મધ્યમ વર્ગ સામે સૌથી મોટો પડકાર મૂડીનો હોય છે. જો તમારી પાસે પણ બજેટની મર્યાદા હોય, તો ₹5 લાખ સુધીની મૂડીમાં પણ નફાકારક વ્યવસાય શરૂ કરી શકાય છે. ઓછા રોકાણવાળા બિઝનેસમાં જોખમ પણ પ્રમાણમાં ઓછું રહે છે. અહીં એવા પાંચ બિઝનેસ આઇડિયા અને તેને લગતી જરૂરી માહિતી રજૂ કરી છે.
1. ટિશ્યૂ પેપર મેન્યુફેક્ચરિંગ
ટિશ્યૂ પેપરની માંગ નાના સ્ટોલથી લઈને મોટી હોટલ અને રેસ્ટોરન્ટ સુધી રહે છે. નાના રૂમમાં પણ ટિશ્યૂ પેપર બનાવવાનું યુનિટ શરૂ કરી શકાય છે. આ મશીનની કિંમત આશરે ₹5 લાખ આસપાસ હોય છે અને તે પ્રતિ મિનિટ 300થી 750 શીટ્સ તૈયાર કરી શકે છે. જમ્બો રોલ લગાવ્યા બાદ પ્રિન્ટિંગ, એમ્બોસિંગ, ફોલ્ડિંગ અને કટિંગનું કામ ઓટોમેટિક થાય છે.
એક જ મશીનથી ટિશ્યૂ પેપર, નેપકીન અને ટોયલેટ રોલ બનાવી શકાય છે. આ બિઝનેસમાં 15%થી 25% જેટલું પ્રોફિટ માર્જિન મળી શકે છે. જરૂરી દસ્તાવેજોમાં GST રજિસ્ટ્રેશન, MSME ઉદ્યમ રજિસ્ટ્રેશન, સ્થાનિક ટ્રેડ લાયસન્સ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી NOC કે ફેક્ટરી લાયસન્સનો સમાવેશ થાય છે.
2. ઇકો-ફ્રેન્ડલી ડિસ્પોઝેબલ પ્રોડક્ટ્સ
પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ ઇકો-ફ્રેન્ડલી ડિસ્પોઝેબલ ઉત્પાદનોની માંગમાં મોટો વધારો થયો છે. લગ્નપ્રસંગો, પાર્ટીઓ અને કેટરિંગ ક્ષેત્રે પેપર તથા બાયો-ડિગ્રેડેબલ વાસણોની સતત જરૂર રહે છે. આ બિઝનેસ પણ ₹5 લાખની અંદર શરૂ કરી શકાય છે.
સોપારીના પાનમાંથી પ્લેટ-વાટકા બનાવવા માટે હાઇડ્રોલિક પ્રેસ મશીન અથવા પેપર આધારિત પ્લેટ્સ માટે સેમી કે ફુલ ઓટોમેટિક મશીન લગાવી શકાય છે. મશીનરી અને કાચા માલના સ્ટોરેજ માટે 1,000થી 2,000 ચોરસ ફૂટ જગ્યા અને કોમર્શિયલ વીજ કનેક્શનની જરૂર પડે છે. આ બિઝનેસ માટે GST નંબર, ઉદ્યમ રજિસ્ટ્રેશન, ટ્રેડ લાયસન્સ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સર્ટિફિકેટ જરૂરી છે.
3. રમકડાં મેન્યુફેક્ચરિંગ
રમકડાંનો વેપાર મંદીમાં પણ ટકી રહેતો વ્યવસાય ગણાય છે. જો તમારી પાસે સર્જનાત્મકતા હોય, તો પ્લાસ્ટિક, લાકડું કે સોફ્ટ તથા સ્ટફ્ડ રમકડાં બનાવીને સારો નફો કમાઈ શકાય છે. આ વ્યવસાય પણ ₹5 લાખના રોકાણ સાથે શરૂ કરી શકાય છે.
ભારતમાં રમકડાં માટે ‘IS 9873’ માપદંડોનું પાલન કરવું અને ISI માર્ક મેળવવો ફરજિયાત છે. પ્રોપ્રાઇટરશિપ કે કંપની રજિસ્ટ્રેશન, GST નંબર, ફેક્ટરી લાયસન્સ અને પોલ્યુશન NOC જેવી બાબતો પૂરી કરવી પડે છે.
4. આર્ટ એન્ડ ક્રાફ્ટ બિઝનેસ
સર્જનાત્મક વિચારસરણી ધરાવતા લોકો માટે આર્ટ એન્ડ ક્રાફ્ટનો વ્યવસાય ઉત્તમ વિકલ્પ છે. તેને માત્ર ₹10,000થી ₹50,000ની નાની મૂડીથી ઘરબેઠા શરૂ કરી શકાય છે. આ ક્ષેત્રમાં મહેનત અને કળા જોડાયેલી હોવાથી 40%થી 70% સુધીનું ઊંચું નફાનું માર્જિન મળી શકે છે.
હોમ ડેકોર (વોલ હેંગિંગ્સ, મેક્રેમ, રેઝિન આર્ટ, લેમ્પ), કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ્સ (હેન્ડમેડ કાર્ડ્સ, ફોટો ફ્રેમ્સ) અને હેન્ડમેડ ટેરાકોટા જ્વેલરી જેવા ઉત્પાદનો બનાવી શકાય છે. સોશિયલ મીડિયા ઉપરાંત Amazon, Flipkart અને Meesho જેવી ઈ-કોમર્સ સાઇટ્સ પર પ્રોડક્ટ લિસ્ટ કરીને દેશભરમાં વેચાણ કરી શકાય છે.
5. ઓન-ડિમાન્ડ ક્લિનિંગ સર્વિસ
સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધી રહેલી જાગૃતિને કારણે ડીપ ક્લિનિંગ સર્વિસની માંગ ઝડપથી વધી રહી છે. કોર્પોરેટ ઓફિસો, હોસ્પિટલો અને ઘરોમાં પ્રોફેશનલ ક્લિનિંગની ખૂબ માંગ રહે છે. આ સર્વિસ બિઝનેસમાં મોટા મૂડીરોકાણ વગર સારો નફો કમાઈ શકાય છે.
હોમ ડીપ ક્લિનિંગ, સોફા-કાર્પેટ શેમ્પૂઇંગ, ઓફિસ ક્લિનિંગ અને શિફ્ટિંગ ક્લિનિંગ જેવી સેવાઓ આપી શકાય છે. તમે પોતાની તાલીમબદ્ધ ટીમ રાખી શકો છો અથવા સ્થાનિક ક્લિનર્સને જોડીને શહેરી કંપનીની જેમ એપ કે વેબસાઇટ દ્વારા કામ કરી શકો છો. બિઝનેસ રજિસ્ટ્રેશન, GST નંબર અને બેંક કરંટ એકાઉન્ટ જરૂરી છે.
નોંધ: કોઈ પણ પ્રકારનો વ્યવસાય શરૂ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. વળતર કે નફાના દાવાઓ વ્યક્તિગત પરિબળો પર આધારિત હોઈ શકે છે, તેથી યોગ્ય અભ્યાસ પછી જ નિર્ણય લેવો.