અમદાવાદ જિલ્લાના કડી તાલુકાના આદુંદરા ગામે રહેતા સનીનો તેના કાકાની સગી સાળી પ્રિયા સાથે પ્રેમસંબંધ હતો. પ્રિયાના લગ્ન થઈ ગયા હતા અને તે રિસામણે આવી ત્યારે આ સંબંધ વધુ ગાઢ બન્યો. બંનેના પરિવારને જાણ થઈ ગઈ હતી.
પ્રિયા સાસરે રહેતી અને સની આદુંદરા ગામે. બંને ઘણીવાર ફોન પર વાતો કરતા. એક દિવસ પ્રિયાના પતિ રમેશને આ વાતચીતની ખબર પડી ગઈ. ગુસ્સે ભરાયેલા રમેશે પ્રિયા સાથે મોટો ઝઘડો કર્યો. ડરી ગયેલી પ્રિયાએ પતિને ખાતરી આપી કે હવે સની સાથે વાત નહીં કરે. પરંતુ રમેશને વિશ્વાસ ન આવ્યો અને તેણે પોતાના કાકા જયંતીભાઈને બધી વાત કરી. બંનેને સનીને ધમકાવવાનું નક્કી કર્યું અને ફોન પર ઝઘડો થયો.
રમેશના મનમાં સનીને દૂર કરવાનો પ્લાન આવ્યો. તેણે કાકા જયંતી અને ભત્રીજા સુનિલ સાથે મળીને સનીને સાંકોડ ગામે બોલાવીને મારી નાખવાનું કાવતરું રચ્યું. પરંતુ સની તેમના ફોન પર આવે નહીં એટલે તેમણે પ્રિયાને સનીને ફોન કરવા કહ્યું. પ્રિયાએ ના પાડી તો રમેશે તેને માર માર્યો. છેવટે પ્રિયાએ સનીને ફોન કરવા માટે હા પાડી.
2 એપ્રિલ, 2026ના રોજ બપોરે 1:30 વાગ્યે સનીને પ્રિયાનો ફોન આવ્યો. પ્રિયાએ કહ્યું કે હું થોળ તળાવ પાસે આવું છું, તું મળવા આવ. સનીને શંકા થઈ અને તેણે વીડિયો કોલ કરવા કહ્યું. પ્રિયાએ વીડિયો કોલ કર્યો, જેમાં સનીએ જોયું કે પ્રિયા ઘરે જ છે. સનીને વિશ્વાસ આવી ગયો અને તે રિક્ષામાં બેસીને 26 કિલોમીટર દૂર થોળ તરફ રવાના થયો.
બપોરે 4 વાગ્યે સની થોળ ત્રણ રસ્તા પર પહોંચ્યો, જ્યાં પ્રિયા તેની રાહ જોઈને ઊભી હતી. બંને વાત કરવા લાગ્યા ત્યાં જ પાછળથી એક પિકઅપ ડાલુ આવ્યું. તેમાંથી રમેશ, જયંતીભાઈ અને સુનિલ બહાર આવ્યા. ત્રણેયએ સનીને ઊંચકીને ડાલામાં નાખી દીધો. રમેશે પ્રિયાને રિક્ષા કરીને સાંકોડમાં તેના ઘરે મોકલી દીધી.
પિકઅપ ડાલામાં સનીને સાંકોડ ગામ તરફ લઈ જતી વખતે રસ્તામાં ધોકા અને ગડદા પાટુથી ખૂબ માર માર્યો. સાંકોડ પહોંચીને તેની હત્યા કરવાનો પ્લાન હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.