હવાઈ મુસાફરી પૂરી થયા પછી સામાન ન મળે તો કોઈ પણ મુસાફર માટે તે મુશ્કેલ સ્થિતિ બની જાય છે. કનેક્ટિંગ ફ્લાઇટમાં સામાન સમયસર ન પહોંચે અથવા બેગ બીજા શહેરમાં જતી રહે એવું થાય છે. આવા સમયે શાંત રહીને તરત જ કેટલાંક પગલાં ભરવાં જરૂરી છે, જેથી સામાન પાછો મળવાની શક્યતા વધે.
એરપોર્ટ પર જ ફરિયાદ નોંધાવો
સામાન ન મળે તો એરપોર્ટ છોડતા પહેલાં જ એરલાઇનના બેગેજ સર્વિસ ડેસ્ક પર જવું જોઈએ. ત્યાં પ્રોપર્ટી ઇરેગ્યુલારિટી રિપોર્ટ (PIR) ભરવો પડે છે. આ રિપોર્ટ સામાન ખોવાયાની સત્તાવાર ફરિયાદ ગણાય છે. એરપોર્ટ છોડ્યા પછી ફરિયાદ નોંધાવવામાં મુશ્કેલી પડી શકે છે, તેથી આ કામ ત્યાં જ પૂરું કરવું.
જરૂરી દસ્તાવેજો સાચવી રાખો
સામાન ખોવાયા પછી કેટલાક કાગળો સાચવવા ખૂબ જરૂરી છે. PIR ની કોપી, બેગેજ ટેગ, બોર્ડિંગ પાસ, ટિકિટ અને બુકિંગ કન્ફર્મેશન તમારી પાસે રાખો. આ દસ્તાવેજો સામાન શોધવામાં અને આગળ ક્લેમ કરવામાં કામ આવે છે. એરલાઇનને તમારું સાચું સરનામું, ભારતીય મોબાઇલ નંબર, ઇમેઇલ અને સફરની પૂરી વિગત આપો, જેથી સામાન મળતાં જ તે તમારા સુધી પહોંચી શકે.
સામાનને આ રીતે ટ્રેક કરો
મુસાફરો એરલાઇનના બેગેજ ટ્રેકિંગ પોર્ટલ પર જઈને પોતાના સામાનની સ્થિતિ જાણી શકે છે. ટ્રેકિંગમાં મળેલા દરેક અપડેટના સ્ક્રીનશોટ અથવા લેખિત રેકોર્ડ રાખવા જોઈએ. ચેક-ઇન કરતાં પહેલાં સૂટકેસની સ્પષ્ટ તસવીરો પાડી રાખવી ઉપયોગી થાય છે, કારણ કે સામાનનું વર્ણન કરવામાં સરળતા રહે છે.
વળતર અને વીમાના નિયમો
સામાન મોડો પહોંચે ત્યારે ટોયલેટ્રીઝ, કપડાં અને રોજિંદી જરૂરી વસ્તુઓ ખરીદવાના બિલ સાચવી રાખો. એરલાઇનના નિયમો અને મુસાફર સુરક્ષા જોગવાઈઓ મુજબ જ તેની રકમ પરત મળે છે. તમારી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી અને ક્રેડિટ કાર્ડના લાભો પણ તપાસો, કારણ કે કેટલીક પોલિસી બેગેજ મોડું થવા, જરૂરી સામાન ખરીદવા કે કાયમી નુકસાન સામે કવરેજ આપે છે.
મોન્ટ્રીયલ કન્વેન્શન શું કહે છે
મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ મુસાફર ખોવાયેલા સામાન અંગેના અધિકારો ત્યારે જ લાગુ કરી શકે છે જ્યારે એરલાઇન નુકસાન સ્વીકારે અથવા નિર્ધારિત સમયના 21 દિવસની અંદર સામાન પહોંચાડે નહીં. આ કન્વેન્શન મુજબ મોડા આવેલા સામાનની ફરિયાદ સામાન્ય રીતે સામાન મળ્યાની તારીખથી 21 દિવસની અંદર લેખિતમાં કરવી પડે છે, જ્યારે સામાનને નુકસાન થયું હોય તેની ફરિયાદ માટે સાત દિવસની મર્યાદા હોય છે.
સામાન સુરક્ષિત રાખવાની ટિપ્સ
બેગની અંદર અને બહાર તમારી ઓળખ (નામ, નંબર) લગાવો. બેગ અને તેમાં રાખેલા સામાનની તસવીરો લઈ લો. જૂના બેગેજ લેબલ્સ કે ટેગ્સ કાઢી નાખો. કિંમતી સામાન અને જરૂરી દવાઓ હંમેશાં હેન્ડ લગેજમાં રાખો. બેગમાં માન્ય ટ્રેકિંગ ડિવાઇસ (જેમ કે એરટેગ) મૂકવાનું વિચારી શકાય.