સત્ય. સાહસ. સંકલ્પ.

સૌથી લાંબુ આયુષ્ય ધરાવતી સોલાર પેનલ કઈ? નવી ટેક્નોલોજી વિશે જાણો ખરીદી પહેલાં

સૌથી લાંબુ આયુષ્ય ધરાવતી સોલાર પેનલ કઈ? નવી ટેક્નોલોજી વિશે જાણો ખરીદી પહેલાં

આજના સમયમાં વીજળીનું બિલ ઘટાડવા અને પર્યાવરણને બચાવવા સોલાર પેનલનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ઉનાળાની ગરમી, શિયાળાની ઠંડી કે ચોમાસાનો વરસાદ – કોઈ પણ મોસમમાં સોલાર પેનલ વીજળી ઉત્પન્ન કરી શકે છે. જો કે, આ સિસ્ટમ લગાવવાનો શરૂઆતી ખર્ચ ઘણો મોટો હોય છે. તેથી આટલું મોટું રોકાણ કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે પેનલ કેટલાં વર્ષો સુધી ચાલશે અને કેટલો સમય સારી રીતે વીજળી આપશે.

સોલાર સિસ્ટમ પસંદ કરતી વખતે મોટાભાગના લોકો માત્ર એટલું જોઈ લે છે કે પેનલ કેટલી વીજળી બનાવશે અને કિંમત કેટલી છે. પરંતુ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે – પેનલનું આયુષ્ય. બજારમાં જુદી જુદી ટેક્નોલોજીની પેનલ્સ છે, જેનું આયુષ્ય અલગ-અલગ હોય છે. લાંબા સમય સુધી ચાલે એવી પેનલ જોઈએ તો મોનોક્રિસ્ટલાઇન અને નવી N-ટાઇપ ટેક્નોલોજીવાળી પેનલ્સ શ્રેષ્ઠ ગણાય છે. આ પેનલ્સ લાંબા ગાળે રોકાણ પર સારું વળતર આપે છે.

મોનોક્રિસ્ટલાઇન પેનલ બજારમાં ખૂબ લોકપ્રિય છે અને તેને સૌથી લાંબુ આયુષ્ય ધરાવતી પેનલ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ પેનલનું આયુષ્ય 25થી 40 વર્ષ હોય છે. સમય જતાં તેની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતામાં ઘટાડો ખૂબ ધીમો થાય છે, જેથી તે ઘર કે વ્યવસાયમાં દાયકાઓ સુધી સારી રીતે કામ આપે છે.

ટેક્નોલોજીમાં સતત સુધારો થવાને કારણે સોલાર ઉદ્યોગમાં પણ નવા વિકલ્પ આવ્યા છે. N-Type TOPCon અને HJT (હેટ્રોજંક્શન ટેક્નોલોજી) જેવી આધુનિક ટેક્નોલોજી ગ્રાહકો માટે ફાયદાકારક છે. જો તમે આ નવી ટેક્નોલોજીવાળી ઉચ્ચ ગુણવત્તાની પેનલ ખરીદો છો, તો 25 વર્ષ પછી પણ તેની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા 88 ટકાથી વધુ જળવાઈ રહે છે. જૂની પેનલ્સની સરખામણીમાં આ નવી પેનલ્સમાં ક્ષમતા ઘટવાનો દર ઘણો ઓછો છે, જેથી વર્ષો સુધી ઊંચું ઉત્પાદન મળે છે.

કોઈ પણ સોલાર પેનલનું આયુષ્ય તેમાં વપરાયેલી સામગ્રી અને ટેક્નોલોજી પર આધારિત છે. તેથી સસ્તી પેનલ ખરીદવા કરતાં લાંબુ આયુષ્ય આપતી ગુણવત્તાવાળી પેનલ પસંદ કરવી વધુ સારી છે.