સત્ય. સાહસ. સંકલ્પ.

લંડન ATC ખામી: અમદાવાદના મુસાફરો સહિત 246 લોકો જ્યૂરીખમાં ફસાયા

લંડન ATC ખામી: અમદાવાદના મુસાફરો સહિત 246 લોકો જ્યૂરીખમાં ફસાયા

લંડનમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા ખોરવાઈ છે. આ ખામીની અસર મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની AI-131 ફ્લાઈટ પર પડી હતી, જેને સ્વિટ્ઝર્લેન્ડના જ્યૂરીખમાં ડાયવર્ટ કરવામાં આવી હતી.

આ ફ્લાઈટમાં અમદાવાદના અનેક નાગરિકો સહિત 246થી વધુ મુસાફરો સવાર હતા. મુસાફરો મંગળવારે સવારે એરપોર્ટ પહોંચ્યા હતા અને ફ્લાઈટ બપોરે લગભગ 1:30 વાગ્યે લંડન માટે રવાના થઈ હતી. જોકે, લંડનમાં ATC સિસ્ટમની ખામીને કારણે ફ્લાઈટને જ્યૂરીખ લઈ જવામાં આવી હતી.

જ્યૂરીખ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ શરૂઆતમાં મુસાફરોને વિમાનમાં જ રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્લાઈટ રદ થઈ અને તમામને બહાર કાઢીને એરપોર્ટ ટર્મિનલ પર લઈ જવાયા. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી, પરંતુ લાંબી રાહને કારણે પરેશાની વધી હતી. કેટલાકે બેન્ચ પર, તો કેટલાકે જમીન પર સૂઈને રાત વિતાવી હતી.

મુસાફર સંજય સૂર્યબલીએ જણાવ્યું કે ફ્લાઈટ જ્યૂરીખમાં જ રોકાયેલી છે અને બપોરે 2 વાગ્યા બાદ નવી માહિતી આપવામાં આવશે. એર ઈન્ડિયાએ મુસાફરોને લંડન પહોંચાડવા માટે નવી ફ્લાઈટની વ્યવસ્થા કરવાની છે, અને તે અંગેની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાથી એર ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય કામગીરી પર સવાલો ઉઠ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી એરલાઈનને ઓપરેશનલ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.