ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં મોટું પગલું ભર્યું છે. 14 જૂન, 2026ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ 11 જુલાઈ, 2026ના રોજ જાહેર કર્યા બાદ હવે બોર્ડે પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણીની તારીખ જાહેર કરી છે. ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ કુલ 12,733 જગ્યાઓ માટે 30 સપ્ટેમ્બર, 2026થી દસ્તાવેજ ચકાસણી શરૂ થશે.
બોર્ડ અનુસાર, લેખિત પરીક્ષાનું મેરિટ જાહેર થયા બાદ દસ્તાવેજ ચકાસણી માટે લાયક ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં 12,733 ખાલી જગ્યાઓ સામે પ્રથમ તબક્કામાં કુલ 18,322 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર ઠર્યા છે. જો આ તબક્કામાં જગ્યાઓ ખાલી રહે તો બીજા તબક્કામાં સંબંધિત કેટેગરીના ઉમેદવારોને મેરિટના આધારે બોલાવવામાં આવશે.
ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી દરમિયાન કયા દસ્તાવેજો સાથે રાખવાના રહેશે તેની સંપૂર્ણ માહિતી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે. બોર્ડે કેટેગરીવાર કટ-ઑફ પણ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 14 જૂન, 2026ના રોજ રાજ્યની 879 શાળા/કોલેજોમાં 2.63 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાનું પરિણામ 2 એપ્રિલ, 2026ના રોજ જાહેર થયું હતું, જેમાં 1.73 લાખથી વધુ પુરુષ અને 89,405 મહિલા ઉમેદવારો પાસ થયા હતા. આમ કુલ 2,63,345 ઉમેદવારોએ LRDની લેખિત પરીક્ષા આપી હતી.
લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓની વિગત:
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6,942
- હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2,458
- હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF): 3,002
- જેલ સિપાહી (પુરુષ): 300
- જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31