ગ્રામ્ય વિસ્તારો અને નાના નગરોમાં લોકોને લગ્ન, બીમારી, ખેતી કે ધંધાના કામમાં અચાનક પૈસાની જરૂર પડે છે. પણ સિબિલ (CIBIL) સ્કોર, ક્રેડિટ હિસ્ટ્રી કે ક્રેડિટ કાર્ડ ન હોવાથી ઘણા લોકો બેંકમાં લોન માટે જવાનું ટાળે છે. કેટલાક સામાજિક કારણોસર બેંકમાં જવામાં ખચકાટ અનુભવે છે. આવા લોકો પછી ઊંચા વ્યાજે પૈસા આપતા વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ જાય છે.
પણ હવે ચિંતાની જરૂર નથી. ક્રેડિટ હિસ્ટ્રી ન હોવા છતાં બેંકિંગ સિસ્ટમમાંથી ઓછા વ્યાજે લોન મળે તેવા કેટલાક સરળ રસ્તા છે. તેમાંથી મુખ્ય રસ્તા આ પ્રમાણે છે.
ખેતી કરતા હોવ તો કિસાન ક્રેડિટ કાર્ડ
જો તમે ખેતી કે પશુપાલન સાથે જોડાયેલા હોવ, તો કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) સૌથી સસ્તો અને સરળ વિકલ્પ છે. KCC પર સામાન્ય વ્યાજ દર 7% છે, પણ સમયસર ચુકવણી કરો તો સરકાર 3% સબસિડી આપે છે. એટલે અસરકારક વ્યાજ દર ફક્ત 4% થાય છે. પાક ઉત્પાદન ઉપરાંત ડેરી ફાર્મિંગ, દૂધાળા પશુ ઉછેર અને મત્સ્યપાલન જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ માટે પણ KCC હેઠળ રાહત દરે લોન મળે છે.
સોનાના ઘરેણાં ગીરો મૂકીને તરત પૈસા
ગ્રામ્ય વિસ્તારોમાં સોનું ફક્ત સંપત્તિ નથી, મુશ્કેલીના સમયમાં તે નાણાકીય સહારો પણ છે. ગોલ્ડ લોન સુરક્ષિત લોન ગણાય છે, એટલે તેને મંજૂર કરવા બેંકો સિબિલ સ્કોર માગતી નથી. સાદી પર્સનલ લોન કરતાં ગોલ્ડ લોનનો વ્યાજ દર ઘણો ઓછો હોય છે. બેંક કે NBFC પાસે સોનાના ઘરેણાં ગીરો મૂકીને થોડા કલાકોમાં લોન મળી જાય છે.
FD કે RD સામે લોન
જો તમારી પાસે પોસ્ટ ઓફિસ કે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કે રિકરિંગ ડિપોઝિટ (RD) હોય, તો તેને વચ્ચે બંધ કરવાની જરૂર નથી. તમે જમા કરાવેલી રકમના 80% થી 90% સુધીની લોન લઈ શકો છો. આ લોન પરનું વ્યાજ તમારી થાપણ પર મળતા વ્યાજ કરતાં ફક્ત 1% થી 2% વધારે હોય છે, એટલે તે સામાન્ય લોન કરતાં ઘણી સસ્તી પડે છે.
જામીનદાર સાથે લોન
ક્રેડિટ સ્કોર ન હોવ તો તમે નિયમિત આવક ધરાવતા પરિવારના સભ્ય, જેમ કે પિતા, ભાઈ કે જીવનસાથીને સહ-અરજદાર (co-applicant) બનાવી શકો છો. અથવા સારો ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિને જામીનદાર રાખીને અરજી કરી શકો છો. આનાથી બેંકનું જોખમ ઘટે છે અને લોન મંજૂર થવામાં સરળતા રહે છે.
આ રસ્તાઓ અપનાવીને ગામડાં કે નાના શહેરમાં રહેતા લોકો પણ વ્યાજખોરોના બોજમાં ફસાયા વગર, ઓછા વ્યાજે લોન મેળવી શકે છે. સૌથી જરૂરી છે કે લોન લેતી વખતે બેંકની શરતો, વ્યાજ દર અને ચુકવણીની સમયમર્યાદા બરાબર સમજી લેવી.