નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શન અને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે 7:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમને ફેફસાના વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.
લાલ કૃષ્ણ અડવાણી ત્રણ વખત ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે – 1986-1990, 1993-1998 અને 2004-2005. તેમણે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની NDA સરકારમાં 1998 થી 2004 સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અને 2002 થી 2004 સુધી નાયબ વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી.
અડવાણી 8 નવેમ્બરે તેમનો 99મો જન્મદિવસ ઉજવવાના છે. તેઓ હાલમાં દિલ્હીના 30, પૃથ્વીરાજ રોડ સ્થિત તેમના નિવાસસ્થાને રહે છે. ગયા વર્ષે પણ તેમને એપોલો હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસેવામાં 25 વર્ષ પૂર્ણ કર્યા બાદ લાલ કૃષ્ણ અડવાણીને મળવા અને તેમના આશીર્વાદ લેવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. પીએમ મોદીએ X પર પોસ્ટ કરી કહ્યું હતું કે, "અડવાણીજી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા હતા. તેમની દાયકાઓની જાહેર સેવા અને આપણા રાષ્ટ્રીય જીવનમાં તેમના યોગદાને અમીટ છાપ છોડી છે. તેમણે ભારતની પ્રગતિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે."