પંચમહાલ જિલ્લાના ગોધરાના રહીશ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ આશિષ પટેલને બિશ્નોઈ ગેંગના સાગરીત તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકીથી ગોધરા અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ધમકી આપનારનું નામ સંદીપસિંગ ઉર્ફે સેન્ડી હોવાનું જાણવા મળે છે.
LJPના પ્રદેશ મહામંત્રી અનિલ પટેલે જણાવ્યું કે 24 ઓક્ટોબરે બપોરે 3:53 વાગ્યે તેમને ફોન આવ્યો હતો. ફોનમાં સંદીપસિંગે પ્રદેશ પ્રમુખ આશિષ પટેલને મારી નાખવાની અને તેમના છોકરાને ઉઠાવી જવાની ધમકી આપી હતી.
આશિષ પટેલે જણાવ્યું કે સંદીપસિંગ મૂળ દિલ્લીનો છે અને અમદાવાદમાં રહે છે. લગભગ ત્રણ મહિના પહેલા તે પાર્ટીની અમદાવાદ ઓફિસે આવ્યો હતો અને પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે તે પાર્ટી માટે કામ કરશે અને ખર્ચ પણ કરશે. પરંતુ તેનું આધારકાર્ડ દિલ્લીનું હોવાથી અને તેની ચાલચલગત શંકાસ્પદ લાગતાં પાર્ટીએ તેને ગુજરાતમાં પાર્ટીમાં સામેલ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
આ મામલે આશિષ પટેલે 26 ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને DGPને પત્ર લખીને પોલીસ રક્ષણ માંગ્યું છે. પત્રમાં તેમણે મળેલી ધમકીનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે “ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશિષ પટેલ કો મેં નિપટા દૂંગા. વો સબકા બાપ બનકે ઘૂમતા હૈં, અબ મૈં બતાતા હું કી બાપ કૌન હૈં.”
આશિષ પટેલે વધુમાં જણાવ્યું કે અગાઉ સંદીપસિંગે પાર્ટીના આઠ હોદ્દેદારો પાસેથી બિશ્નોઈ ગેંગ સાથે કામ કરવાનું કહીને લગભગ 90 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ છે. બિશ્નોઈ ગેંગથી ડરતા હોવાથી આ હોદ્દેદારોએ ખુલીને સામે નથી આવ્યા. સંદીપસિંગ પંજાબની કોઈ ગેંગ સાથે પણ સંકળાયેલો હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર મામલે આશિષ પટેલ કે અનિલ પટેલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. પાર્ટી સાથે ચર્ચા કરીને આ અંગે નિર્ણય લેવાનું તેમણે જણાવ્યું છે. તેમણે માંગ કરી છે કે સંદીપસિંગની ગતિવિધિઓ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેની તેની સંડોવણીની તપાસ થવી જોઈએ.