સત્ય. સાહસ. સંકલ્પ.

સાવરકુંડલા-રાજુલા હાઇવે પર ત્રણ સિંહોએ પશુનો શિકાર કર્યો, વીડિયો વાયરલ

સાવરકુંડલા-રાજુલા હાઇવે પર ત્રણ સિંહોએ પશુનો શિકાર કર્યો, વીડિયો વાયરલ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા-રાજુલા હાઇવે પર મોડી રાત્રે ત્રણ સિંહોએ એક પશુનો શિકાર કર્યો હતો. આંબરડી ગામ નજીક મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનાને કારણે ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. સિંહોના શિકારને કારણે હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી હતી.

વાહનચાલકો પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ સિંહોએ રસ્તા પર જ પશુને દબોચી લીધું અને તેનો શિકાર શરૂ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. વાહનચાલકોએ સાયરન વગાડીને સિંહોને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પશુને બચાવી શકાય. જોકે, સિંહો શિકાર છોડવા તૈયાર નહોતા. આ સમગ્ર ઘટના મુખ્ય હાઇવે પર 25 મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી.

આખરે ત્રણેય સિંહો પશુને રોડની નીચે લઈ ગયા અને ત્યાં તેનો શિકાર કર્યો. સિંહોના હાઇવે પર શિકારના દૃશ્યો જોઈને વાહનચાલકોમાં કુતૂહલ અને થોડો ભય પણ જોવા મળ્યો હતો.

આ પહેલા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પણ સિંહોએ રોડ કિનારે મારણ કર્યું હતું. જોકે, રાજુલા-સાવરકુંડલા માર્ગ પર હાઇવેની વચ્ચે શિકારની આ પહેલી ઘટના છે. ઘટના બાદ વન વિભાગને જાણ થતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.