સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીના વડિયામાં વિફરેલી સિંહણનો આતંક: પાંચથી વધુ લોકો પર હુમલો, વનકર્મી પણ ઘાયલ

અમરેલીના વડિયામાં વિફરેલી સિંહણનો આતંક: પાંચથી વધુ લોકો પર હુમલો, વનકર્મી પણ ઘાયલ

અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં એક વિફરેલી સિંહણે ભારે ગભરાટ ફેલાવ્યો હતો. વડિયાના અરજણસુખ અને તોરી ગામ વચ્ચેના સીમ વિસ્તારમાં તેમજ રસ્તા પર સિંહણે થોડા સમયમાં જ વારંવાર હુમલા કર્યા હતા. આ હુમલામાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા.

રાત્રે બાઇક પર જતા બે લોકો પર હુમલો કર્યા બાદ વહેલી સવારે પણ સિંહણે સીમ વિસ્તારમાં અન્ય લોકો પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી માટે પહોંચેલા વનવિભાગના કર્મચારી અનિરુદ્ધ વાળા પર પણ સિંહણે હુમલો કર્યો હતો. તેમને હાથ પર ઈજા થતાં તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અરજણસુખના સરપંચે જણાવ્યું હતું કે 24 કલાકમાં સિંહણે છ લોકોને નિશાન બનાવ્યા છે. આથી ગ્રામજનોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી હતી.

સિંહણના હુમલાઓથી વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયા બાદ વનવિભાગની ટીમે તાત્કાલિક મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી હતી. લીલીયા રેંજના DCF ચિરાગ અમીને જણાવ્યું હતું કે વડિયા તાલુકામાં વિફરેલી સિંહણને વનવિભાગે સફળતાપૂર્વક બચાવીને પાંજરે પૂરી દીધી છે અને ટૂંક સમયમાં તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. સિંહણ પાંજરે પૂરાતાં વડિયા પંથકના ગ્રામજનો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બીજી તરફ, જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા અશોક શિલાલેખ નજીક ફરી એકવાર સિંહ પરિવારની હાજરી જોવા મળી હતી. વહેલી સવારે એકસાથે સાત સિંહોનો પરિવાર રસ્તા પર મુક્તપણે ફરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સિંહોને રસ્તો પસાર કરતા જોઈને રસ્તા પરથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ અશોક શિલાલેખ પાસે સિંહ પરિવાર જોવા મળ્યો હતો. ભવનાથ વિસ્તારમાં વારંવાર સિંહોની અવરજવરથી આ પંથકમાં વન્યજીવોની સક્રિય હાજરી સ્પષ્ટ થાય છે.