સત્ય. સાહસ. સંકલ્પ.

સાણંદ પાસે 25 કરોડના ખર્ચે બની રહ્યું છે સિંહ આકારનું દુર્ગા મંદિર, 321 ફૂટ ત્રિશૂળ નીચેથી દર્શન

સાણંદ પાસે 25 કરોડના ખર્ચે બની રહ્યું છે સિંહ આકારનું દુર્ગા મંદિર, 321 ફૂટ ત્રિશૂળ નીચેથી દર્શન

અમદાવાદ નજીકના સાણંદ તાલુકાના વનાળિયા ગામે એક અનોખું મા દુર્ગાનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર સિંહના આકારમાં બની રહ્યું છે, જેની ઊંચાઈ 45 ફૂટ અને પહોળાઈ 112 ફૂટ છે. મંદિરનું નિર્માણ 15 વીઘા જમીન પર થઈ રહ્યું છે અને અંદાજે 25 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

મંદિરના સ્થાપક દયામૂર્તિ ગુરુમા મૂળ રાજસ્થાનના બીકાનેરના રહેવાસી છે. તેમણે જણાવ્યું કે નવરાત્રિ દરમિયાન માતાજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા હતા, ત્યારબાદ આ મંદિરના નિર્માણની શરૂઆત થઈ. સિંહના હૃદયમાં માતાજીનો નિવાસ માનવામાં આવે છે, તેથી સિંહની આકૃતિની અંદર જ માતાજીની 21 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. પ્રતિમા સ્થાપિત કરતા પહેલા સિંહના હૃદયના સ્થાને 1008 શ્રી દુર્ગા યંત્રો સ્થાપિત કરાશે, જે પંચધાતુના બનેલા હશે.

મંદિરની એક વિશેષતા એ છે કે ભક્તોએ માતાજીના દર્શન માટે 321 ફૂટ લાંબા ત્રિશૂળ નીચેથી પસાર થવું પડશે. આ ત્રિશૂળ લગભગ ચાર ટ્રેન ડબ્બાની લંબાઈ જેટલું લાંબું છે. માન્યતા છે કે ત્રિશૂળ નીચેથી પસાર થવાથી ભક્તોના પાછલા જન્મના કર્મો મટી જાય છે અને તેઓ પવિત્ર થઈને માતાજીના દર્શન કરે છે.

આ ઉપરાંત મંદિર પરિસરમાં 51 શક્તિપીઠની સ્થાપના કરવામાં આવશે, જેથી ભક્તો એક જ સ્થળે બધા શક્તિપીઠના દર્શન કરી શકે. ભારતમાં 51 શક્તિપીઠમાંથી મોટાભાગની ભારતમાં છે, જ્યારે બે પાકિસ્તાનમાં, બે નેપાળમાં અને ત્રણ બાંગ્લાદેશમાં આવેલી છે. આ મંદિરનું ભૂમિપૂજન 17 નવેમ્બર 2024ના રોજ થયું હતું અને 2027ના અંત સુધીમાં દર્શન માટે ખૂલ્લું મુકાય તેવી ધારણા છે.

મંદિર પરિસરમાં ભોજનશાળા, રહેવાની સુવિધા અને બાળકો માટે શૈક્ષણિક સુવિધાઓ પણ ઊભી કરાશે. સ્થળ પસંદ કરવા અંગે ગુરુમાએ જણાવ્યું કે માતાજીની ઈચ્છા એવી જગ્યાએ નિવાસ કરવાની હતી જ્યાં પક્ષીઓને પણ શાંતિ મળે. આ સ્થળ નળ સરોવર પાસે આવેલું છે, જ્યાં ભારતીય અને વિદેશી પક્ષીઓ પણ આવે છે.