સત્ય. સાહસ. સંકલ્પ.

સિંહ-દીપડા-રીંછના હુમલામાં 5 ઈજાગ્રસ્ત, 3 વર્ષના બાળકનું મોત; કનુભાઈ ભાલાળાનો સરકાર પર આરોપ

સિંહ-દીપડા-રીંછના હુમલામાં 5 ઈજાગ્રસ્ત, 3 વર્ષના બાળકનું મોત; કનુભાઈ ભાલાળાનો સરકાર પર આરોપ

અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં અરજણસુખ અને તોરી ગામ વચ્ચે એક સિંહણે રાત્રિથી બપોર સુધી 12 કલાક સુધી હાહાકાર મચાવ્યો હતો. તેણે અલગ-અલગ ચાર માનવ હુમલા કર્યા હતા. આ હુમલામાં એક ફોરેસ્ટ ગાર્ડ અને એક ખેતમજૂર સહિત કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બધાને સારવાર માટે વડિયા અને અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઘટનાની ગંભીરતા જોતાં વનવિભાગની 6થી 8 ટીમો કામે લાગી હતી. સતત પ્રયાસો બાદ સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. બાદમાં તેને 'કાર્કશ એનિમલ કેર સેન્ટર' ખસેડાઈ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. સિંહણને હડકવા હતો. સિંહણ પાંજરે પૂરાતાં સ્થાનિક લોકોએ સુખનો શ્વાસ લીધો છે.

ઝઘડિયા તાલુકાના સંજાલી ગામે 12 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. ભેંસ ચરાવવા ગયેલી બાળકી પર હુમલો થતાં તેના ગાલ, કાન અને પગમાં ઈજા પહોંચી હતી. પરિવારે પ્રતિકાર કરતાં દીપડો ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ છે.

ગીરગઢડા તાલુકાના સણોસરી ગામમાં દીપડાના જીવલેણ હુમલામાં ત્રણ વર્ષના માસૂમ બાળક ચેતનનું કરૂણ મોત થયું છે. મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર વાડીમાં ખેતમજૂરી માટે આવ્યો હતો. રાત્રે અગાસી પર માતા-પિતા સાથે સૂતેલા બાળકને દીપડો મોઢામાં દબોચીને ઓરડીથી દૂર લઈ ગયો હતો. બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જસાધાર રેન્જના વન વિભાગે એક કલાકમાં જ હુમલાખોર દીપડાને પાંજરે પૂર્યો હતો.

બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં પોતાના ખેતરેથી સાયકલ પર શાકભાજી લઈને ઘરે પરત ફરી રહેલા વિકાભાઈ પર રીંછે અચાનક હુમલો કરી દીધો હતો. આ જીવલેણ હુમલામાં તેમના મોઢા અને દાંતના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક દાંતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અગાઉ એક મહિલા પર હુમલો બાદ હવે પુરુષ પર હુમલો થતાં માત્ર બે દિવસમાં રીંછના સતત બીજા હુમલાથી ભયનો માહોલ વ્યાપી ગયો છે. વન વિભાગની ટીમો પણ તાત્કાલિક કામે લાગી છે.

આ બનાવો વચ્ચે પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળાએ સિંહ-દીપડાના વધતા આતંક સામે કડક રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સરકાર પર માનવજીવન કરતાં વન્યજીવોને વધુ મહત્વ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં આવા હુમલાઓમાં 50થી 60 લોકોએ જીવ ગુમાવ્યા છે. સિંહોના સ્વભાવમાં ધરમૂળથી પરિવર્તન આવતાં તેઓ જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં માનવીઓ પર હુમલા કરી રહ્યા છે. તેમણે આડેધડ આરક્ષણને માનવજાત માટે ખતરનાક ગણાવ્યું અને કેન્દ્ર તથા રાજ્ય સરકારને નીતિ પર પુનઃવિચારણા કરવા તથા મૃતકોના પરિવારજનોને રૂપિયા 1 કરોડનું તાત્કાલિક વળતર ચૂકવવા માગ કરી છે.