અમરેલી જિલ્લામાં લીલિયા અને દામનગર વચ્ચે રેલવે ટ્રેક પર એક સિંહ માલગાડીની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયો છે. પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જઈ રહેલી આ માલગાડી આશરે 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે સિંહ ટ્રેક ક્રોસ કરવા જતાં અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેનનું એન્જિન સિંહના પાછળના ભાગ અને પૂંછડી પર ફરી વળતાં તે લોહીલુહાણ થયો હતો અને તેની પૂંછડી કપાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘાયલ સિંહ નજીકના રેવન્યુ વિસ્તારના ખેતરો તરફ નાસી ગયો હતો. રેલવે સ્ટાફે ઘટનાની જાણ તરત જ વન વિભાગને કરી હતી.
ઘટનાની જાણ થતાં જ અમરેલી વન વિભાગની ટીમો, વનકર્મીઓ અને રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ટ્રેકર્સ સિંહના પગલાંના નિશાન અને લોહીના ડાઘના આધારે ખેતરોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઘાયલ સિંહ ખેતરોમાં છુપાયો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આસપાસના ગામોના ખેડૂતો અને સ્થાનિક લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે, કારણ કે ઘાયલ અવસ્થામાં વન્યજીવ વધુ આક્રમક બની શકે છે.
આ ઘટના અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની સુરક્ષા સામેનો એક વધુ ગંભીર ખતરો દર્શાવે છે. રેલવે ટ્રેક પર થતા આવા અકસ્માતો અટકાવવા માટે યોગ્ય પગલાંની જરૂર છે.