અમરેલી જિલ્લાના ધારી નજીક ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવેલા આંબરડી સફારી પાર્કમાં સિંહને બાઇક અને બોલેરો પાછળ દોડાવી પરેશાન કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના દિવાળીની રજાઓ દરમિયાન બની હોવાનું કહેવાય છે.
વાયરલ વીડિયોમાં 2થી 3 બાઇકચાલકો અને એક બોલેરો સિંહની પાછળ દોડાવતા દેખાય છે. આંબરડી સફારી પાર્કમાં ખાનગી વાહનોને પ્રવેશની મંજૂરી નથી, તેમ છતાં વન વિભાગના કર્મચારીઓએ જ આ વાહનો દોડાવ્યાં હોવાનું બહાર આવ્યું છે. આથી સિંહોના હુમલાની ઘટનાઓ વધી શકે તેવી ચિંતા વ્યક્ત કરાઈ છે.
સિંહપ્રેમી મયંક ભટ્ટે આરોપ મૂક્યો છે કે પ્રવાસીઓને સિંહદર્શન કરાવવા માટે સિંહને રોકીને બીજા રસ્તે વાળવાનો પ્રયાસ કરાયો હતો. અંતે સિંહ પોતાના કુદરતી નિવાસસ્થાન તરફ જતો રહ્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
આ મુદ્દે DCF વિકાસ યાદવનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેમનો મોબાઇલ સ્વિચ ઓફ આવ્યો હતો. જ્યારે ઇન્ચાર્જ ACF મિતેષ વાણિયાએ વીડિયો સફારી પાર્કનો હોવાનું સ્વીકારી તપાસ કરવાની વાત કરી હતી.
ગાંધીનગર સ્થિત વન વિભાગના વડા PCCF (અગ્ર મુખ્ય વન સંરક્ષક) જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વીડિયો જૂનો છે, પરંતુ તેમાં વન વિભાગના ગાર્ડ અને ટ્રેકર્સ જોવા મળે છે, તેથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જરૂરી કાર્યવાહી કરાશે.
સિંહપ્રેમી મયંક ભટ્ટે વનમંત્રી અને વન વિભાગના વડા સમક્ષ માંગ કરી છે કે આ પ્રકારની હરકત કરનારા તથા પરવાનગી આપનારા તમામ જવાબદાર કર્મચારીઓ સામે તાત્કાલિક દાખલારૂપ પગલાં લેવામાં આવે અને તેમને દંડિત કરીને ફરજમુક્ત કરવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું કે ધારી પૂર્વના સ્ટાફના અંદરોઅંદરના ખટરાગથી સિંહોને નુકસાન થઈ રહ્યું છે અને ભૂતકાળમાં દેવળિયા પાર્કમાં આવી ઘટનામાં એક ડ્રાઇવરનું મોત થયું હતું તથા બે સિંહોને આજીવન કેદ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા વધી રહેલા હુમલા અને આતંકને લઈને સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા બગસરા નજીક કપાસના ખેતરમાં છુપાયેલા સિંહે એક ટ્રેકર પર હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ હતી. છેલ્લા થોડા દિવસોમાં સિંહના હુમલાની આઠમી ઘટના સામે આવતાં વનવિભાગની કામગીરી અને પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.
આ ઉપરાંત જૂનાગઢમાં 8 વર્ષના બાળકનો દીપડાએ શિકાર કર્યો હતો. મેંદરડાના દાત્રાણા ગામે દિવાળીની રાત્રે 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો, જેથી તેનું મોત થયું હતું. દાત્રાણા ગામની સીમમાં આવેલા ખેતરના મકાન પાસે 8 વર્ષનો માસૂમ બાળક દિવરાજ પાણી પીવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક દીપડો ત્યાં ધસી આવ્યો અને બાળકને ઉપાડી ગયો હતો.