અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જૂના માલકનેસ ગામમાં વહેલી સવારે એક સિંહ રહેણાંક મકાનમાં ઘૂસી જતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગામમાં સિંહોએ એક પશુનું મારણ કર્યું હતું. ત્યારબાદ એક સિંહ અમરૂભાઈ વરુના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો.
મકાનના એક ઓરડામાં સિંહ બેસી જતાં તે કલાકો સુધી બહાર નીકળ્યો નહોતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
કોઈ જાનહાનિ ન થાય તે માટે ગ્રામજનોએ સાવચેતી રાખી હતી. સ્થાનિકોએ ઓરડાનો દરવાજો બંધ કરી દીધો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
વન વિભાગના RFO નીપુલ લકુમની ટીમ અને વેટરનરી તબીબે સ્થળ પર પહોંચીને સિંહનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહને ટ્રંક્યુલાઇઝ કર્યા બાદ સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વન વિભાગની ટીમે સમયસર કામગીરી કરીને રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. સિંહ રહેણાંક મકાનમાં ઘૂસી જવાની આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ચર્ચા જાગી છે.