સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીમાં બીમાર સિંહને બચાવવા ગયેલી વન વિભાગની ટીમ પર હુમલો, બે કર્મચારી ઘાયલ

અમરેલીમાં બીમાર સિંહને બચાવવા ગયેલી વન વિભાગની ટીમ પર હુમલો, બે કર્મચારી ઘાયલ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામ પાસે બીમાર સિંહને બચાવવા ગયેલી વન વિભાગની ટીમ પર સિંહે હુમલો કર્યો છે. આ હુમલામાં ફોરેસ્ટર એમ.જે. ખાવડિયા અને ટ્રેકર ભરત જોગડિયા ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વન વિભાગના અધિકારી ચિરાગ અમીને જણાવ્યું કે નવ વર્ષથી વધુ ઉંમરના એક બીમાર નર સિંહની માહિતી મળી હતી. તે ઈજાગ્રસ્ત અને નબળો હોવાથી તેને બચાવવા અને સ્કેનિંગ કરવા માટે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ દરમિયાન અચાનક સિંહે હુમલો કર્યો. હાલ બંને કર્મચારીઓની હાલત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જેમાં ક્ષેત્રુંજી ડીસીએફ, એસીએફ અને ગીર પૂર્વ એસીએફનો સમાવેશ થાય છે, તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હુમલા બાદ સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. તેને શોધવા માટે રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં મધરાત્રીથી વહેલી સવાર સુધી મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

વન વિભાગ સિંહનું લોકેશન મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. સિંહને પકડવા માટે રીંગ પાંજરા સહિત વિવિધ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આસપાસના વાડી વિસ્તારો અને ગાઢ જંગલ જેવા વિસ્તારોમાં સ્કેનિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, રાતનો સમય અને ગીચ વિસ્તાર હોવાને કારણે સિંહનું ચોક્કસ લોકેશન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. વન વિભાગની ટીમો દિવસ-રાત કાર્યરત છે.

સ્થાનિક લોકોમાં સિંહના હુમલાના ભયને લીધે ચિંતા છે. જંગલની આસપાસના ગામડાઓમાં સિંહ આવવાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ બીમાર સિંહની સારવાર કરવા જતાં વનકર્મીઓ પર જ હુમલો થવાથી લોકો આશ્ચર્યચકિત થયા છે. વન વિભાગના વેટનરી ઓફિસર્સ ટ્રેન્ક્યુલાઈઝર ગન અને ટ્રેકરની ટીમ સાથે હાજર છે અને સિંહને ઝડપથી બચાવવાની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે સિંહને સુરક્ષિત રીતે પકડીને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવશે.