અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાર પટોળી ગામે ગતરાત્રે (26 સપ્ટેમ્બર) બીમાર સિંહનું રેસ્ક્યૂ કરવા ગયેલી વનવિભાગની ટીમ પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં ફોરેસ્ટર એમ. જે. ખાવડિયા અને ટ્રેકર ભરત જોગદિયા ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, બાર પટોળી ગામના વાડી વિસ્તારમાં એક સિંહ બીમાર હાલતમાં હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ તેને બચાવવા સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યૂની કામગીરી દરમિયાન સિંહે હુમલો કર્યો, જેમાં ફોરેસ્ટર અને ટ્રેકરને ઈજા પહોંચી હતી.
હુમલા બાદ વનવિભાગના અન્ય કર્મચારીઓએ તાત્કાલિક કામગીરી કરી બંનેને બચાવી લીધા હતા. ઈજાગ્રસ્ત ફોરેસ્ટર એમ. જે. ખાવડિયાને સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રેકર ભરત જોગદિયાને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ડીસીએફ (DCF) સહિત વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.