અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં બીમાર સિંહને બચાવવા ગયેલા વનવિભાગના કર્મચારીઓ પર જ સિંહે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સિંહ નાસી ગયો હતો, જેને શોધવા માટે વનવિભાગે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
વનવિભાગના જણાવ્યા અનુસાર, રાજુલાના નવી બારપટોળી ગામની સીમમાં 9 વર્ષથી વધુ ઉંમરના બીમાર સિંહના રેસ્ક્યૂ માટે ટીમ પહોંચી હતી. તે સમયે સિંહે ફોરેસ્ટર એમ.જે. ખાવડીયા અને ટ્રેકર ભરત જોગદીયા પર હુમલો કર્યો હતો. બંનેને ગંભીર ઈજાઓ થતાં તેમને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને શેત્રુંજી DCF, ACF અને ગીર પૂર્વ ACF સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સિંહને શોધવા માટે વનવિભાગની 11 ટીમોએ આખી રાત તપાસ કરી હતી. રાજુલા-જાફરાબાદ સહિતના વિસ્તારોમાં મધરાતથી વહેલી સવાર સુધી 10 કિલોમીટરના વિસ્તારને અલગ-અલગ રીતે સ્કેન કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં સિંહની કોઈ ભાળ મળી નથી.
સિંહ હુમલો કર્યા બાદ નાસી છૂટ્યો હતો. વનવિભાગે સિંહને પકડવા માટે રિંગ પાંજરૂ સહિત અલગ-અલગ પાંજરા મૂક્યા હતા અને આસપાસના વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી હાથ ધરી હતી. જો કે, સિંહની કોઈ ભાળ મળી નથી. સિંહ ઈજાગ્રસ્ત અને અશક્ત હોવાની શક્યતા છે, જેના કારણે રેસ્ક્યુ દરમિયાન આ ઘટના સામે આવી છે.
સિંહ જ્યાં હુમલો કર્યો તે વિસ્તાર ચારે તરફ ખેડૂતોના પાક, બાવળની કાટ સહિત ભરચક વિસ્તાર હોવાથી સિંહને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. વનવિભાગની ટીમો સિંહને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સિંહ વિસ્તાર છોડીને અન્ય સ્થળે ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વનવિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી આસપાસના ગામોમાં ભયનો માહોલ છે, અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.