સત્ય. સાહસ. સંકલ્પ.

લીંબડી-અમદાવાહ હાઈવે પર દ્વારકા જતા પદયાત્રીઓને ટ્રકે અડફેટે લીધા, એકનું મોત, સાત ગંભીર

લીંબડી-અમદાવાહ હાઈવે પર દ્વારકા જતા પદયાત્રીઓને ટ્રકે અડફેટે લીધા, એકનું મોત, સાત ગંભીર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાહ હાઈવે પર કાનપરા ગામ નજીક દ્વારકાધીશના દર્શન માટે પગપાળા જઈ રહેલા 65થી વધુ શ્રદ્ધાળુઓના સંઘને એક ટ્રકે અડફેટે લીધા છે. આ અકસ્માતમાં એક શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે સાત પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી પ્રમાણે, શ્રદ્ધાળુઓનો સંઘ શિસ્તબદ્ધ રીતે એકસાથે ચાલીને દ્વારકા તરફ આગળ વધી રહ્યો હતો. સંઘ કાનપરા નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી ઝડપથી આવી રહેલા ટ્રકના ચાલકે નિયંત્રણ ગુમાવતાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા. અકસ્માતમાં અનેક પદયાત્રીઓ રસ્તા પર પડી ગયા હતા.

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરીને સાતેય ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. ફરાર ટ્રક ચાલકને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

સાથી પદયાત્રીના અકાળ અવસાનથી સંઘમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટનાએ ધોરીમાર્ગો પર ઝડપથી દોડતાં ભારે વાહનો અને ધાર્મિક યાત્રાએ નીકળતા પદયાત્રીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.