સત્ય. સાહસ. સંકલ્પ.

LIC પ્રીમિયમ ભરવા માટે EPF બેલેન્સનો ઉપયોગ કેવી રીતે કરવો? જાણો ફોર્મ 14 નો નિયમ

LIC પ્રીમિયમ ભરવા માટે EPF બેલેન્સનો ઉપયોગ કેવી રીતે કરવો? જાણો ફોર્મ 14 નો નિયમ

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના પ્રીમિયમની તારીખ નજીક આવે અને ખિસ્સું ખાલી હોય, ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે. ઘણા લોકો ઉધાર લેવાનું કે ક્રેડિટ કાર્ડ વાપરવાનું વિચારે છે. પરંતુ જો તમે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સભ્ય છો, તો તમારી પાસે એક વિકલ્પ છે, જેના વિશે ઘણા લોકો જાણતા નથી.

EPFOના નિયમો અનુસાર, પીએફ ખાતાધારકો પોતાના ઈપીએફ (EPF) ખાતામાં જમા રકમમાંથી સીધું LIC પોલિસીનું પ્રીમિયમ ચૂકવી શકે છે. આ માટે 'ફોર્મ 14' ભરવાનું હોય છે.

ફોર્મ 14 શું છે?

EPFOએ LIC પોલિસીનું પ્રીમિયમ ભરવા માટે 'ફોર્મ 14'ની જોગવાઈ કરી છે. EPFOની સત્તાવાર વેબસાઇટ પર આ ફોર્મને 'ફાઇનાન્સિંગ LIC પોલિસી' માટેના ફોર્મ તરીકે દર્શાવવામાં આવ્યું છે.

આ ફોર્મ દ્વારા પીએફ સભ્ય EPFOને નિર્દેશ આપે છે કે તેના ખાતામાંથી નિર્ધારિત રકમ કાપીને સીધી LICને પ્રીમિયમ પેટે ટ્રાન્સફર કરવામાં આવે. ફોર્મ 14માં શરૂઆતના પ્રીમિયમ ઉપરાંત ભવિષ્યમાં નિયત તારીખે આવનારા પ્રીમિયમની ચૂકવણીની વ્યવસ્થા પણ સામેલ છે. એકવાર અરજી મંજૂર થયા પછી, પ્રીમિયમની નિયત તારીખે ઈપીએફ ખાતામાંથી રકમ આપોઆપ કપાઈને LIC પાસે પહોંચી જાય છે. આનાથી દર વખતે અલગથી નાણાંની વ્યવસ્થા કરવાની ઝંઝટ રહેતી નથી.

શરતો શું છે?

આ સુવિધા દરેક પીએફ સભ્યને આપોઆપ મળતી નથી. તેના માટે ચોક્કસ શરતો પૂરી કરવી પડે છે:

  • ઓછામાં ઓછું 2 વર્ષનું પ્રીમિયમ બેલેન્સ: ઈપીએફ ખાતામાં એટલી રકમ હોવી ફરજિયાત છે જેનાથી ઓછામાં ઓછા બે વર્ષના LIC પ્રીમિયમની ચૂકવણી થઈ શકે.
  • સભ્યપદ અને પર્યાપ્ત બેલેન્સ: ફોર્મ 14ના નિયમો મુજબ પીએફ સભ્યપદનો લઘુત્તમ સમયગાળો અને ખાતામાં પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે. માત્ર EPFO સભ્ય હોવું પૂરતું નથી.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિની પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ ₹30,000 છે અને નોકરી જતી રહેવાથી કે ઘરખર્ચ વધવાથી પૈસા નથી, તો જો તેના પીએફ ખાતામાં ઓછામાં ઓછા ₹60,000 (બે વર્ષનું પ્રીમિયમ) જમા હશે, તો જ તે ફોર્મ 14 દ્વારા આ રકમ ચૂકવવાનો વિકલ્પ પસંદ કરી શકશે.

પ્રીમિયમ ભરવામાં વિલંબ અને પોલિસી લેપ્સ

પ્રીમિયમની છેલ્લી તારીખ વીતી જાય એટલે પોલિસી તરત બંધ થતી નથી. LICના નિયમો અનુસાર:

  • ગ્રેસ પિરિયડ: વાર્ષિક, અર્ધવાર્ષિક અને ત્રિમાસિક પ્રીમિયમ માટે સામાન્ય રીતે ઓછામાં ઓછો 30 દિવસનો ગ્રેસ પિરિયડ મળે છે. જ્યારે માસિક પ્રીમિયમ માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે.
  • પોલિસી લેપ્સ અને રિવાઈવલ: જો ગ્રેસ પિરિયડ પૂરો થયા સુધી પણ પ્રીમિયમ ન ભરાય તો પોલિસી લેપ્સ થઈ જાય છે. લેપ્સ થયેલી પોલિસીને ફરી શરૂ કરવા માટે બાકી પ્રીમિયમ, વ્યાજ અને જરૂર પડ્યે આરોગ્ય કે અન્ય દસ્તાવેજો રજૂ કરવા પડે છે.

માત્ર LIC પ્રીમિયમ માટે જ

એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ઈપીએફમાંથી નાણાં ઉપાડવાની આ સુવિધા સામાન્ય ખર્ચ માટેનું વિડ્રોઅલ નથી. EPFO તેને ખાસ કરીને LIC પોલિસી ફાઇનાન્સિંગ માટે જ માન્ય રાખે છે. આથી ઘરનું ભાડું, શાળાની ફી, ક્રેડિટ કાર્ડનું બિલ કે અન્ય કોઈ અંગત દેવાની ચૂકવણી માટે આ જોગવાઈ હેઠળ નાણાં ઉપાડી શકાતા નથી.

ધ્યાનમાં રાખવાની બાબતો

ઈપીએફમાં જમા થયેલી રકમ તમારા નિવૃત્તિ જીવનની આર્થિક સુરક્ષા છે. તેથી જો તમારી પાસે અન્ય વિકલ્પો હોય તો સામાન્ય સંજોગોમાં પીએફ બેલેન્સને અડવું હિતાવહ નથી. આ વિકલ્પ પસંદ કરતાં પહેલાં તમારી LIC પોલિસીનું સ્ટેટસ અને પ્રીમિયમ ભરવાની ક્ષમતા ધ્યાનમાં લેવી જોઈએ.