ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ 'જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ પ્લાન' લોન્ચ કર્યો છે, જેમાં માત્ર એક જ વાર પ્રીમિયમ ભરીને આજીવન વીમા કવચ મેળવી શકાય છે. આ પ્લાન 30 દિવસના બાળકથી લઈને 65 વર્ષ સુધીની ઉંમરના લોકો લઈ શકે છે.
આ પ્લાન નોન-લિંક્ડ અને નોન-પાર્ટીસિપેટિંગ છે, એટલે કે તેનું રિટર્ન શેરબજાર સાથે જોડાયેલું નથી. તેમાં અગાઉથી નક્કી કરેલા લાભ મળે છે અને દરેક પોલિસી વર્ષના અંતે ગેરંટીડ એડિશન પણ જોડાય છે.
પ્લાનમાં ઓછામાં ઓછું બેઝિક સમ એશ્યોર્ડ 5 લાખ રૂપિયા છે, જ્યારે મહત્તમ માટે LICએ કોઈ મર્યાદા નક્કી કરી નથી. ગેરંટીડ એડિશન તરીકે દર વર્ષે 1,000 રૂપિયા સમ એશ્યોર્ડ દીઠ 40 રૂપિયા જોડાય છે.
આવક માટે બે વિકલ્પ છે: રેગ્યુલર ઈન્કમ બેનિફિટમાં દર વર્ષે બેઝિક સમ એશ્યોર્ડના 10% મળે છે, જે 7 થી 17 વર્ષ પછી શરૂ થાય છે. ફ્લેક્સી ઈન્કમ બેનિફિટમાં 10% આવક જમા કરીને અંતે લઈ શકાય છે, જેના પર LIC વાર્ષિક 5.5% કમ્પાઉન્ડિંગ વ્યાજ આપે છે.
પોલિસી ચાલુ હોય ત્યારે પોલિસી ધારકનું નિધન થાય તો નોમિનીને સમ એશ્યોર્ડ ઓન ડેથ અને મૃત્યુ સુધીના તમામ ગેરંટીડ એડિશન મળે છે. સમ એશ્યોર્ડ ઓન ડેથમાં બેઝિક સમ એશ્યોર્ડ અથવા ટેબ્યુલર સિંગલ પ્રીમિયમના 1.25 ગણા, જે વધુ હોય તે મળે છે.
પોલિસી ધારકને જરૂર પડ્યે લોનની સુવિધા પણ મળે છે. વધારાનું પ્રીમિયમ ચૂકવીને 'આકસ્મિક મૃત્યુ અને અપંગતા લાભ રાઈડર' તથા 'ટર્મ ઈન્શ્યોરન્સ રાઈડર' જોડી શકાય છે. આ પ્લાન LICના અધિકૃત એજન્ટ, બ્રોકર અથવા LICની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે.