સત્ય. સાહસ. સંકલ્પ.

LIC ICICI બેંકમાં 9.99% હિસ્સો ખરીદશે: RBI મંજૂરી, એક વર્ષનો સમય

LIC ICICI બેંકમાં 9.99% હિસ્સો ખરીદશે: RBI મંજૂરી, એક વર્ષનો સમય

દેશની સૌથી મોટી વીમા કંપની LIC (લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) હવે ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક ICICI બેંકમાં પોતાની ભાગીદારી વધારવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ LIC ને ICICI બેંકની પેઇડ-અપ શેર મૂડી અથવા વોટિંગ અધિકારોમાં 9.99 ટકા સુધીનો હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે.

ICICI બેંકે શેરબજારને આપેલી રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે. 4 સપ્ટેમ્બર 2026ની રાત્રે બેંકને RBIનો મંજૂરી પત્ર મળ્યો હતો. RBIની શરતો મુજબ, LIC ને આ હિસ્સેદારી વધારવા માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે. જો LIC નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો આ મંજૂરી આપોઆપ રદ ગણાશે. આ ઉપરાંત, તમામ વૈધાનિક ધારાધોરણોનું પાલન કરવાની શરત પર જ આ મંજૂરી અપાઈ છે.

આ નિર્ણય LIC ના તાજેતરના સફળ રોકાણો બાદ લેવામાં આવ્યો છે. થોડા સમય પહેલા LIC એ ભારતની ટોચની ત્રણ IT કંપનીઓ – ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઈન્ફોસિસ અને HCL ટેક્નોલોજીસમાં રોકાણ વધાર્યું હતું. ક્ષેત્રમાં AIના કારણે નોકરીઓ પર જોખમની ચિંતા ચાલી રહી હતી, ત્યારે LIC એ આ વિપરીત વલણ અપનાવ્યું. આ રોકાણના કારણે LIC ને માત્ર 35 દિવસમાં ₹21,000 કરોડથી વધુનો નફો થયો.

અહેવાલો અનુસાર, જૂન 2026ના અંતે આ ત્રણ કંપનીઓમાં LIC ના રોકાણની કુલ માર્કેટ વેલ્યૂ ₹1.05 લાખ કરોડ હતી. ઓગસ્ટની શરૂઆત સુધીમાં આ શેરોમાં આવેલા ઉછાળાને કારણે આ આંકડો વધીને ₹1.26 લાખ કરોડ થઈ ગયો. એટલે કે, ગણતરીના દિવસોમાં LIC ને કાગળ પર ₹21,032 કરોડનો નફો થયો. આ સફળતા બાદ હવે LIC બેન્કિંગ ક્ષેત્રે પણ પોતાનું રોકાણ મજબૂત કરી રહી છે.

નોંધ: આ માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી ઉચિત છે.