ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે 'બીમા સખી યોજના' ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ 10મું ધોરણ પાસ કરેલી મહિલાઓ વીમા એજન્ટ તરીકે જોડાઈ શકે છે અને પ્રથમ વર્ષે દર મહિને ₹7,000 સુધીનું નિશ્ચિત સ્ટાઈપેન્ડ મેળવી શકે છે. આ ઉપરાંત, પોલિસી વેચાણ પર વધારાનું કમિશન પણ મળે છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોની મહિલાઓને રોજગારીની તક પૂરી પાડવાનો છે. મહિલાઓ ઘરે બેઠા વીમા એજન્ટ તરીકે કામ કરી શકે છે અને પોતાની આજીવિકા મેળવી શકે છે.
પાત્રતા અને શરતો: આ યોજના માટે ઉમેદવાર મહિલાની ઉંમર 18 થી 70 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને તેણે ઓછામાં લોકો 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. હાલમાં કાર્યરત LIC એજન્ટ કે કર્મચારીઓના નજીકના સંબંધીઓ આ યોજના માટે પાત્ર ગણાશે નહીં.
સ્ટાઈપેન્ડની રચના: પ્રથમ વર્ષે દર મહિને ₹7,000, બીજા વર્ષે ₹6,000 અને ત્રીજા વર્ષે ₹5,000 નું નિશ્ચિત સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત, LIC દ્વારા પસંદ કરાયેલી મહિલાઓને વ્યાવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે. નિર્ધારિત ટાર્ગેટ પૂર્ણ કરવા પર વધારાનું પ્રોત્સાહક કમિશન પણ મળે છે. ત્રણ વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ કાયમી LIC એજન્ટ તરીકે કારકિર્દી આગળ વધારી શકે છે.
અરજી કેવી રીતે કરવી: ઇચ્છુક મહિલાઓ LICની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે અથવા નજીકની LIC શાખાનો સંપર્ક કરી શકે છે. અરજી સાથે જન્મ તારીખનું પ્રમાણપત્ર (વય પુરાવો), સરનામાનો પુરાવો અને 10મા ધોરણની માર્કશીટ (શૈક્ષણિક પુરાવો) જેવા દસ્તાવેજો જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. એજન્ટ તરીકે કામ કરતી વખતે પ્રથમ વર્ષે કરવામાં આવેલી કુલ પોલિસીઓમાંથી ઓછામાં ઓછી 65 ટકા પોલિસીઓ ચાલુ (એક્ટિવ) રહેવી અનિવાર્ય છે.