સત્ય. સાહસ. સંકલ્પ.

ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો: 20 વર્ષના યુવાને 79 બોલમાં 188 રન ફટકારી રચ્યો ઈતિહાસ!

ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો: 20 વર્ષના યુવાને 79 બોલમાં 188 રન ફટકારી રચ્યો ઈતિહાસ!

સાઉથ આફ્રિકાના 20 વર્ષીય લુહાન ડી પ્રિટોરિયસે T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. CSA T20 ચેલેન્જમાં તેણે 79 બોલમાં અણનમ 188 રન ફટકારીને ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો 175 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

બ્લોમફોન્ટીનમાં રમાયેલી મેચમાં ટાઈટન્સે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ડાબોડી બેટ્સમેન પ્રિટોરિયસે તોફાની શરૂઆત કરી અને માત્ર 24 બોલમાં અડધી સદી પૂરી કરી લીધી. ત્યારબાદ આગામી 16 બોલમાં સદી ફટકારી. તેણે 58 બોલમાં 150 રનનો આંકડો પાર કર્યો. તેની ઈનિંગમાં 13 છગ્ગા અને 15 ચોગ્ગા સામેલ હતા. આ ધમાકેદાર ઈનિંગના દમ પર ટાઈટન્સે 20 ઓવરમાં 267/3નો વિશાળ સ્કોર બનાવ્યો, જે CSA T20 ચેલેન્જમાં બીજો સર્વશ્રેષ્ઠ ટીમ સ્કોર છે.

પ્રિટોરિયસ માત્ર 12 રનથી તેની પ્રથમ T20 બેવડી સદી ચૂકી ગયો હતો. તેણે ગેલના IPL 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે પુણે વોરિયર્સ વિરુદ્ધ 66 બોલમાં 175* રનના રેકોર્ડને પાછળ છોડ્યો. T20માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરની યાદીમાં હવે ટોપ-5 આ પ્રમાણે છે: 188* (79 બોલ) - લુહાન ડી પ્રિટોરિયસ, 175* (66 બોલ) - ક્રિસ ગેલ, 172 (76 બોલ) - એરોન ફિન્ચ, 164* (65 બોલ) - હમઝા ખાન, 164 (57 બોલ) - કરનવીર સિંહ.

ટાઈટન્સે 2022માં નાઈટ્સ વિરુદ્ધ જ 271/3નો સ્કોર બનાવ્યો હતો, જે હજુ અકબંધ છે. ટાઈટન્સ CSA T20 ચેલેન્જના ઇતિહાસમાં પાંચ સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવનારી ટીમ બની ચૂકી છે.

પ્રિટોરિયસની 2026-27 સીઝનમાં આ પ્રથમ મેચ હતી. તે છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. તેણે ટ્રાઈ-સિરીઝમાં ઝિમ્બાબ્વે અને નામીબિયા વિરુદ્ધ અનુક્રમે 94 અને 101 રનની ઈનિંગ રમી હતી. તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 22 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. T20માં આ તેની 91મી મેચ હતી, જ્યાં તેનો સ્ટ્રાઈક રેટ 150થી વધુનો છે.