સત્ય. સાહસ. સંકલ્પ.

પંજાબ: LGBTQ ઇન્ફ્લુએન્સર મેડ સંધુ પર ગોળીબાર, ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોને લીધી જવાબદારી

પંજાબ: LGBTQ ઇન્ફ્લુએન્સર મેડ સંધુ પર ગોળીબાર, ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોને લીધી જવાબદારી

અમૃતસરમાં જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ એમજી સંધુ પર શનિવારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. હુમલાખોરોની ઓળખ માટે સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.

સંધુ તેની બિન્દાસ શૈલી અને બેધડક અભિવ્યક્તિ માટે જાણીતો હતો. LGBTQ સમુદાયના આ ઇન્ફ્લુએન્સરે પોતાની ઓળખ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર અવારનવાર હોમોફોબિક ટ્રોલિંગનો સામનો કરવો પડતો હતો. આ વિરોધ છતાં તે સક્રિય રહ્યો અને ઇન્સ્ટાગ્રામ પર 2.26 લાખથી વધુ ફોલોઅર્સ મેળવ્યા. તેણે પંજાબી ફિલ્મ 'ઓયે ભોલે ઓયે'માં પણ અભિનય કર્યો હતો. તે પોડકાસ્ટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર મેકઅપ આર્ટિસ્ટ્રી, સેલ્ફ-એક્સપ્રેશન અને જેન્ડર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરતો હતો.

ગોળીબાર બાદ સંધુ રસ્તા પર ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં તે લોહીથી લથપથ જોવા મળ્યો હતો અને આસપાસ લોકોની ભીડ જમા થયેલી નજરે પડી હતી. પ્રારંભિક અહેવાલોમાં તેના મોતનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઈ છે, જેમાં ગોલ્ડી ધિલ્લોન અને જગ્ગા તરણતરણ નામના શખ્સોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, આ દાવાની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કુખ્યાત ગોલ્ડી બ્રારનો ખાસ સાથી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ધિલ્લોન હાલ ફરાર છે અને તે જર્મનીમાં કેટલાક મહિના વિતાવ્યા બાદ યુકેમાં છુપાયેલો હોવાનું મનાય છે. પોલીસ અગાઉ પંજાબ, ચંડીગઢ અને કેનેડામાં ધમકીઓ આપવાના, ખંડણી વસૂલવાના તેમજ ટાર્ગેટેડ કિલિંગના અનેક ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું માને છે.