અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જે. હોસ્પિટલના કેમ્પસમાં મંગળવારે સવારે એક દુર્ઘટના બની. નવી બિલ્ડિંગ પાસે માટી પુરાણનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક બાજુની દીવાલ ધસી પડી. તેની નીચે ૨૭ વર્ષીય શ્રમિક છુટન શુક્રુમાર મંડલ દબાઈ ગયા. ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
મળતી માહિતી અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના યાદપુરના વતની છુટનભાઈ હાલ એલ.જે. હોસ્પિટલ કેમ્પસમાં રહીને મજૂરી કામ કરતા હતા. મંગળવારે સવારે આશરે ૯ વાગે તેઓ જૂના એલ.જે. હોસ્પિટલ કેમ્પસમાં કડિયા કામ કરી રહ્યા હતા. તે સમયે નજીકમાં ચાલી રહેલા માટી પુરાણના કારણે બાજુની દીવાલ પર દબાણ વધ્યું અને દીવાલ અચાનક તેમના પર પડી.
દીવાલના કાટમાળ નીચે દબાઈ જતાં છુટનભાઈને શરીરે ગંભીર ઈજાઓ થઈ અને તેઓ બેભાન થઈ ગયા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ. સાથી મજૂર કૃષ્ણાએ તેમને તાત્કાલિક એલ.જે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડ્યા, જ્યાં તબીબોએ સઘન સારવાર આપી. પરંતુ ગંભીર ઈજાઓને કારણે સવારે ૧૧ વાગે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.
બનાવની જાણ થતાં જ મણિનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો. પોલીસે મૃતકના પત્ની જુમાબેન વાગ્ચીનું વિગતવાર નિવેદન નોંધ્યું છે અને મૃતદેહનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં માટી પુરાણ કે બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટર કે સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી સામે આવશે તો સંબંધિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.