અમદાવાદમાં મચ્છરજન્ય રોગો સામે 'મલેરિયા મુક્ત અમદાવાદ' સહિતની ઝુંબેશ ચાલી રહી છે. તે વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત એલજી હોસ્પિટલમાં જ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હોસ્પિટલના જૂના બિલ્ડિંગના ગાયનેકોલોજી વોર્ડ સહિત અન્ય બે વોર્ડમાં રાત્રિના સમયે ગંદકી, મચ્છરો અને ગંદી બેડશીટ જોવા મળી હોવાનું કહેવાય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ ટી. સોનીએ એલજી હોસ્પિટલની રાત્રિના સમયે અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જૂની એલજી હોસ્પિટલના ગાયનેકોલોજી વોર્ડ ઉપરાંત અન્ય બે વોર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ અને અસ્વચ્છતા જોવા મળી હોવાનો દાવો તેમણે કર્યો છે. વોર્ડમાં ગંદી બેડશીટ હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
રાજેશ સોનીએ જણાવ્યું કે, દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવે છે ત્યારે વોર્ડમાં જ મચ્છરોનો ત્રાસ હોય તે ગંભીર બાબત છે. ખાસ કરીને ગાયનેકોલોજી વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાઓને સ્વચ્છ અને મચ્છરમુક્ત વાતાવરણ મળવું જોઈએ તેવી માગ તેમણે કરી છે.
કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ વધુમાં કહ્યું કે, કોર્પોરેશન શહેરમાં સ્વચ્છતા અને મચ્છર નિયંત્રણની વાત કરે છે, પરંતુ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં જ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ હોય તો જવાબદાર અધિકારીઓ અને સફાઈ એજન્સી સામે જવાબદારી નક્કી કરવી જોઈએ. તેમણે હોસ્પિટલમાં નિયમિત સફાઈ, સ્વચ્છ બેડશીટ અને મચ્છર નિયંત્રણ માટે નિયમિત પેસ્ટ કંટ્રોલ તથા ફોગિંગની વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાની માગ કરી છે.
બીજી તરફ એલજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દરરોજ સફાઈ કરવામાં આવે છે અને વોર્ડની બહાર ફોગિંગ પણ કરવામાં આવે છે. હોસ્પિટલની બાજુમાં નવા બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી ત્યાંથી મચ્છરોનો ઉપદ્રવ થતો હોવાનું હોસ્પિટલ તંત્રનું કહેવું છે. વોર્ડ પાસે કચરાપેટી રાખવામાં આવી છે, પરંતુ કેટલાક લોકો તેનો ઉપયોગ કરવાને બદલે બહાર કચરો ફેંકે છે. આ કચરો પણ મચ્છરોના ઉપદ્રવનું એક કારણ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, મચ્છરોના બ્રીડિંગ કે અસ્વચ્છતા બદલ અન્ય બાંધકામ સાઇટો અને એકમો સામે કોર્પોરેશન દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે કોર્પોરેશનની પોતાની હોસ્પિટલની બાજુમાં ચાલી રહેલા બાંધકામને કારણે મચ્છરોનો ઉપદ્રવ થતો હોવાનું હોસ્પિટલ તંત્ર જ કહી રહ્યું હોય તો આ સાઇટ સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે સવાલ હવે ચર્ચામાં છે.