સત્ય. સાહસ. સંકલ્પ.

ડાંગમાં સાપુતારા ઘાટ પર દીપડો કાર સામે આવ્યો, વીડિયો વાયરલ

ડાંગમાં સાપુતારા ઘાટ પર દીપડો કાર સામે આવ્યો, વીડિયો વાયરલ

ડાંગ જિલ્લામાં સાપુતારા ઘાટ અને આહવા-નવાપુર હાઈવે પર દીપડાની અવરજવર વધતાં પ્રવાસીઓ અને વાહનચાલકોમાં ચિંતા વ્યક્ત થઈ છે. સાપુતારા ઘાટમાં પ્રોટેક્શન વોલ પર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો કારમાં સવાર એક દંપતીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનાથી લગભગ દર બે દિવસે ડાંગના વિવિધ વિસ્તારોમાં દીપડો દેખાયો હોવાના વીડિયો સામે આવી રહ્યા છે. આહવા વિસ્તારમાં પણ દીપડા દેખાવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.

દીપડાની સતત અવરજવરને ધ્યાનમાં રાખીને વન વિભાગે સતર્કતા દાખલ કરી છે. સાપુતારા ઘાટમાં પ્રવાસીઓ માટે ચેતવણીરૂપ સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે અને લોકોને દીપડાથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા મુજબ, દીપડા રાત્રિના સમયે શિકારની શોધમાં રસ્તાઓ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે, તેથી પ્રવાસીઓને રાત્રિ દરમિયાન વાહનમાંથી નીચે ન ઉતરવા અને ઘાટ વિસ્તારમાં વાહન ઊભું રાખીને બહાર નીકળવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.

સાપુતારા વિસ્તારમાં પ્રવાસીઓ માટેના ટેન્ટ હાઉસની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ વન વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જ્યાં સુરક્ષા વ્યવસ્થામાં ખામી જણાય છે ત્યાં સંબંધિત લોકોને નોટિસ આપવામાં આવી રહી છે. ડાંગના ઉત્તર અને દક્ષિણ વન વિભાગના અધિકારીઓએ સ્થાનિક લોકો તથા પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે.

વન વિભાગે લોકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળે અને દીપડો દેખાય તો તેની નજીક જવાનો કે તેનો પીછો કરવાનો પ્રયાસ ન કરે. પ્રવાસીઓએ પણ વન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.