સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ નજીક સાણંદમાં ફરી દીપડાની દહેશત, વન વિભાગે પાંજરાં ગોઠવ્યાં

અમદાવાદ નજીક સાણંદમાં ફરી દીપડાની દહેશત, વન વિભાગે પાંજરાં ગોઠવ્યાં

અમદાવાદ નજીકના સાણંદમાં ફરી એક વાર દીપડો દેખાયો છે. મોટી દેવતી ગામ રોડ પાસે એક શ્વાનનું મારણ થયું છે અને ત્યાં દીપડાના પગલાંના નિશાન મળ્યા છે. વન વિભાગે સ્થળ પર પાંજરાં ગોઠવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

આ એક મહિનામાં દીપડો દેખાયાની બીજી ઘટના છે. વન વિભાગની ટીમો ગામલોકોને સાવચેત રહેવા અને દીપડો દેખાય તો તરત જાણ કરવા અપીલ કરી છે.

આ ઉપરાંત રાજ્યમાં હવામાન વિભાગે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને જામનગર સહિત છ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે, જ્યારે પોરબંદર અને દ્વારકામાં દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ વરસાદની સંભાવના છે.

શીલજ કેનાલ રોડ પર નવપરિણીત મહિલાને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારનાર બાઈકચાલક સુનિલ પરમારને રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી લેવામાં આવ્યો છે. પીડિતાના પતિએ વીડિયો શેર કરીને ન્યાયની માગ કરી હતી.

રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચે 18 સપ્ટેમ્બરથી ત્રણ વન-ડે અને એક યુથ ટેસ્ટ શરૂ થશે. આ મેચોમાં સહેવાગ અને દ્રવિડના પુત્રોની જોડી પણ જોવા મળશે. સૌરાષ્ટ્રના બે ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ પર સવા લાખ દીવા પ્રગટાવાશે, જ્યારે વડનગરમાં શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધીના વિસ્તારમાં રોશની કરાશે.

ગીર ગઢડા નજીક રુપેણ નદીમાં માછલી ભરેલો ટ્રક 15 ફૂટ નીચે ખાબકતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે.

અમદાવાદમાં ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષા શરૂ થઈ છે. 29 સપ્ટેમ્બર સુધીમાં 4.58 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદમાં 17 કેન્દ્રો પર એક લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.

SD Pay એપ કૌભાંડમાં આરોપીઓએ રોકાણકારોને ભ્રમિત કરવા એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે. મુખ્ય આરોપી હિરેન શાહ બહાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે અમરેલી પોલીસે લોકોને ભ્રમિત ન થવા અપીલ કરી છે.