અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોટી દેવતી ગામ રોડ પાસે દીપડો દેખાયો હોવાની માહિતી સ્થાનિક લોકોએ વન વિભાગને આપી છે. ગામ રોડ પાસે દીપડાના પંજાના નિશાન (ફૂટ પ્રિન્ટ) મળી આવ્યા છે. આ વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા નજીક એક શ્વાનનું મારણ પણ થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
સાણંદ રેન્જના વન વિભાગના આરએફઓ હરેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, 15 સપ્ટેમ્બરે મોટી દેવતી ગામે દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી. તેના આધારે ટીમે ત્યાં તપાસ કરી હતી. જે પંજાના નિશાન મળ્યા છે તે દીપડાના હોવાની પૂરી શક્યતા છે.
દેસાઈએ વધુમાં જણાવ્યું કે, દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. અગાઉ પણ મોટી દેવતી ગામ પાસે દીપડો દેખાયો હોવાના પંજાના નિશાન મળ્યા હતા અને તે જ વિસ્તારમાં ફરી એકવાર આ નિશાન મળ્યા છે. તેથી દીપડો આસપાસમાં હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેને પકડવાની કામગીરી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2026માં પણ મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે વન વિભાગની ટીમે તપાસ કરીને મળેલા પંજાના નિશાન દીપડાના જ હોવાની પુષ્ટિ કરી હતી અને પાંજરું પણ ગોઠવ્યું હતું. તે પહેલાં જુલાઈ 2026માં અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ઘટના બની હતી.
વન વિભાગે જાહેર કરેલા વર્ષ 2023ના રાજ્યવ્યાપી દીપડાની વસ્તીના અંદાજ મુજબ ગુજરાતમાં કુલ 2,294 દીપડા નોંધાયેલા છે. અધિકારીઓના મતે હાલમાં આ સંખ્યા અંદાજે 2,600 જેટલી હોઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ અને પાટણ જિલ્લામાં દીપડાની નોંધાયેલી વસ્તી નથી.