સત્ય. સાહસ. સંકલ્પ.

જૂનાગઢના દાત્રાણામાં દીપડાનો હુમલો: 7 વર્ષના બાળકનું મોત, બે ઈજાગ્રસ્ત

જૂનાગઢના દાત્રાણામાં દીપડાનો હુમલો: 7 વર્ષના બાળકનું મોત, બે ઈજાગ્રસ્ત

જૂનાગઢના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે દીપડાના હુમલામાં સાત વર્ષના બાળકનું મોત થયું છે. બાળક મધ્યપ્રદેશના શ્રમિક પરિવારનો હતો અને વાડી વિસ્તારમાં મજૂરી કરતો હતો. દીપડો બાળકને ઘસડીને લઈ ગયો હતો. ગ્રામજનોએ 15થી 30 મિનિટ સુધી શોધખોળ કરી અને બાળકનો મૃતદેહ મળી આવ્યો.

શોધખોળ દરમિયાન દીપડાએ બે રાહદારીઓ પર પણ હુમલો કર્યો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ સરપંચે વન વિભાગને કરતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો.

દીપડાના હુમલાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. ખેતીવાડી વિસ્તારમાં રાત્રે ખેડૂતો અને મજૂરો ટોળામાં અને ટોર્ચ લઈને જવા મજબૂર બન્યા છે. તુવેર સહિતના પાકની ખેતી કરતા ખેડૂતોને પણ ડરનો સામનો કરવો પડી રહ્યો છે.

વન વિભાગે દીપડાને પકડવા માટે આઠ પાંજરાં ગોઠવ્યાં છે. ડેડાકડી, દેવડિયા, માળિયા, સાસણ અને વિસાવદર રેન્જના કર્મચારીઓ ઘટનાસ્થળે તૈનાત છે. વેટરનરી ડોક્ટરની મદદથી વિસ્તારનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ રાત્રે દીપડો પકડાયો નથી, પરંતુ કામગીરી ચાલુ છે.