સત્ય. સાહસ. સંકલ્પ.

લીંબુના ભાવમાં અસામાન્ય વધારો: ખેડૂતને 155 રૂપિયા, છૂટક બજારમાં 271 રૂપિયા

લીંબુના ભાવમાં અસામાન્ય વધારો: ખેડૂતને 155 રૂપિયા, છૂટક બજારમાં 271 રૂપિયા

ખાદ્ય પદાર્થો, શાકભાજી અને ફળોના ભાવ વધે ત્યારે ખેડૂતને થોડો વધુ ભાવ મળે તે આનંદની વાત છે અને ખેડૂતને સારો ભાવ મળવો જ જોઈએ. કારણ કે સામાન્ય રીતે ખેડૂતને તેના ઉત્પાદનનો યોગ્ય નફો ભાગ્યે જ મળે છે. તેથી બજેટ ખોરવાય ત્યારે તેનો સીધો દોષ ખેડૂત પર મૂકવો યોગ્ય નથી. પરંતુ ખેડૂતને મળતા ભાવ કરતાં વેપારી સ્તરે અસામાન્ય રીતે વધુ ભાવ વધે તો તેની ચર્ચા થવી જોઈએ; વેપાર જરૂરી છે, પરંતુ લૂંટ ન હોવી જોઈએ.

હાલમાં લીંબુના ભાવ તેનું ઉદાહરણ છે. ગુજરાતની નવ APMCના સરેરાશ આંકડા મુજબ ખેડૂતને લીંબુનો ભાવ આશરે રૂ.155 પ્રતિ કિલો મળે છે, જ્યારે છૂટક બજારમાં તેનો સરેરાશ ભાવ રૂ.271 સુધી પહોંચ્યો છે. કેટલાક વિસ્તારોમાં આ ભાવ રૂ.350-400 સુધી પણ જોવા મળે છે.

અમદાવાદમાં APMC ભાવ રૂ.115 સામે છૂટક ભાવ રૂ.225, સુરતમાં રૂ.145 સામે રૂ.275 અને જામનગરમાં રૂ.155 સામે રૂ.325 છે.

લીંબુની ખેતી અને ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. 2021માં 49,542 હેક્ટરમાં 6,37,088 ટન ઉત્પાદન થયું હતું, જ્યારે તાજેતરના વર્ષોમાં ખેતીનું ક્ષેત્રફળ ઘટ્યું છે. તેથી ભાવ વધવાના કારણો, ખેડૂતને મળતો વાસ્તવિક ભાવ અને વેપારી-છૂટક બજાર વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.