સત્ય. સાહસ. સંકલ્પ.

લીંબુના ભાવમાં ભડકો: અમદાવાદમાં છૂટક બજારમાં રૂ. 240-260 પ્રતિ કિલો

લીંબુના ભાવમાં ભડકો: અમદાવાદમાં છૂટક બજારમાં રૂ. 240-260 પ્રતિ કિલો

અમદાવાદમાં લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. છૂટક બજારમાં લીંબુ હવે રૂ. 240 થી 260 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જે અગાઉ એક પખવાડિયા પહેલાં રૂ. 120 પ્રતિ કિલો હતો. આ વધારાને કારણે ગ્રાહકો નંગના ભાવે લીંબુ ખરીદવા મજબૂર બન્યા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ ભાવ રૂ. 80 થી 160 પ્રતિ કિલો પર પહોંચ્યો છે. ગત 22 ઓગસ્ટે આ જ યાર્ડમાં જથ્થાબંધ ભાવ રૂ. 10 થી 55 પ્રતિ કિલો હતો. લીંબુની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે - આ સમયગાળામાં આવક 6,710 ક્વિંટલ છે, જ્યારે ગત વર્ષે આ સમયે 10,608 ક્વિંટલ આવક હતી. એટલે કે આવકમાં 3,898 ક્વિંટલનો ઘટાડો થયો છે.

બજાર તજજ્ઞો અને કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ચોમાસામાં લીંબુનો છૂટક ભાવ રૂ. 100 થી 120ની આસપાસ રહે છે. પરંતુ આ વખતે સતત ગરમીને કારણે લીંબુ પીળા પડીને ઝાડ પરથી ખરી ગયા છે, જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેમજ વરસાદ ખેંચાતા ઉનાળા જેવું વાતાવરણ બન્યું છે, જેના કારણે લીંબુની માંગ વધી છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં સામાન્ય રીતે આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારત, મહેસાણા, ભાવનગર, પાલિતાણા વગેરે સ્થળોએથી લીંબુની આવક થાય છે. પરંતુ હાલમાં માત્ર રાજસ્થાનમાંથી જ આવક થઈ રહી છે.

આગામી સમયમાં નવરાત્રિ પહેલાં ભાવ ઘટવાની શક્યતા નહીવત્ છે, કારણ કે ગુજરાતનો નવો પાક સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચમાં બજારમાં આવે છે. દક્ષિણ ભારતમાંથી દશેરા આસપાસ આવક શરૂ થાય છે, ત્યાર બાદ જ ભાવમાં કાબૂ મળી શકે છે.