સત્ય. સાહસ. સંકલ્પ.

અસહ્ય ગરમી વચ્ચે લીંબુના ભાવ ₹300 પ્રતિ કિલોએ પહોંચ્યા, ગ્રાહકો પરત ફરવા મજબૂર

અસહ્ય ગરમી વચ્ચે લીંબુના ભાવ ₹300 પ્રતિ કિલોએ પહોંચ્યા, ગ્રાહકો પરત ફરવા મજબૂર

દિન-પ્રતિદિન વધી રહેલી મોંઘવારીએ સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે. અનાજ, કઠોળ અને શાકભાજીના ભાવો બાદ હવે રસોડાની મુખ્ય જરૂરિયાત અને ગરમીમાં રાહત આપતા લીંબુના ભાવે લોકોના દાંત ખાટા કરી દીધા છે. હાલમાં લીંબુના છૂટક ભાવ ₹200 થી લઈને ₹300 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

પરંપરાગત રીતે આસો મહિનાની શરૂઆત થાય ત્યારે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી જતી હોય છે અને સાંજ પડતાની સાથે જ આખું શહેર ઠંડાગાર બની જતું હોય છે. પરંતુ આશ્ચર્યજનક રીતે આ વર્ષે નવરાત્રિની આસપાસ પણ આખા દિવસ દરમિયાન કાળજાળ ગરમી વરસી રહી છે. બીજી બાજુ, નવરાત્રિના ઉપવાસ કરતા લોકો તેમજ અસહ્ય ગરમીથી ત્રસ્ત નાગરિકો ઠંડક માટે લીંબુ શરબત કે લીંબુ પાણીનો સહારો લેતા હોય છે. પરંતુ આસમાને પહોંચેલા ભાવોએ લોકોની આ રાહત પણ છીનવી લીધી છે.

શહેરની શાકભાજી બજારોમાં સ્થિતિ એવી છે કે ઊંચા ભાવના કારણે ગ્રાહકો ખરીદીથી અંતર જાળવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગનો સામાન્ય માનવી શાકભાજીની લારી પર જઈને જ્યારે લીંબુનો ભાવ પૂછે છે, ત્યારે ₹300 પ્રતિ કિલોનો આંકડો સાંભળીને જ મૂંગા મોઢે લારી પરથી પાછા ફરવા મજબૂર બને છે. વેપારીઓનું કહેવું છે કે ભાવ વધારાને કારણે ગ્રાહકોની આવક ઘટતા તેમણે પણ ઓછો જથ્થો મંગાવવો પડી રહ્યો છે.