બ્રિટનની કોમ્પિટિટિવ ઈટર લીયા શટકીવરે 613 ગ્રામનું મેક્સીકન બરીટો માત્ર 30.75 સેકન્ડમાં ખાઈને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ તેણે 7 સપ્ટેમ્બર, 2026ના રોજ હાંસલ કરી હતી.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર વીડિયોમાં જોઈ શકાય છે કે ટાઈમર શરૂ થતાં જ લીયા બરીટો પર તૂટી પડે છે. ખાતી વખતે તેણે પ્લેટમાં કે આસપાસ કોઈ ખાવાનું ઢોળ્યું નહીં. 30.75 સેકન્ડમાં છેલ્લો કોળિયો મોંમાં મૂકીને તેણે જજને ખાલી મોં બતાવ્યું, જે જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
આ પહેલો મોકો નથી જ્યારે લીયાએ આ રેકોર્ડ બનાવ્યો હોય. 2022માં અમેરિકન ઈટર મિકી સુડોએ 31.47 સેકન્ડમાં બરીટો ખાઈને લીયાનો રેકોર્ડ તોડ્યો હતો. હવે લીયાએ લગભગ 2 સેકન્ડનો સમય ઘટાડીને પોતાનો ખોવાયેલો તાજ પાછો મેળવ્યો છે.
લીયાના નામે હાલમાં ખાવા સંબંધિત 40થી વધુ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ નોંધાયેલા છે, જેમાં 1 મિનિટમાં 8 ચુરોસ ખાવા અને 1 મિનિટમાં 613 ગ્રામ સ્ટ્રોબેરી ખાવાનો સમાવેશ થાય છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે અને લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક યુઝરે મજાકમાં લખ્યું કે આટલા સમયમાં અમે તો માત્ર એ નક્કી કરી શકીએ કે ખાવાની શરૂઆત કઈ તરફથી કરવી. બીજાએ લખ્યું કે આટલી ઉતાવળમાં તો અમે એક ઘૂંટડો પાણી પણ નથી પી શકતા, એમણે આખું 600 ગ્રામનું બરીટો કેવી રીતે ગળી લીધું?