સત્ય. સાહસ. સંકલ્પ.

CJI સૂર્યકાંત પર વકીલની અભદ્ર ટિપ્પણી, કોર્ટરૂમમાંથી બહાર કાઢ્યા

CJI સૂર્યકાંત પર વકીલની અભદ્ર ટિપ્પણી, કોર્ટરૂમમાંથી બહાર કાઢ્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં 16 નવેમ્બર 2026ના રોજ એક વકીલે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતાં ભારે હંગામો સર્જાયો હતો. સુનાવણીમાં 15 દિવસથી જવાબ ન મળવાના આક્ષેપથી નારાજ થયેલા વકીલે CJI પર પ્રામાણિકતાના અભાવનો આરોપ લગાવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેમને કોર્ટરૂમની બહાર કાઢી મૂક્યા હતા.

ઘટનાની શરૂઆતમાં વકીલે CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે, 2 નવેમ્બરે તેમણે CJIની ઓફિસમાં એક મામલો રજૂ કર્યો હતો, પરંતુ 15 દિવસ વીતી ગયા છતાં કોઈ જવાબ મળ્યો નથી. વકીલ પોતાની સામે ચાલી રહેલા અવમાનના કેસને લઈને પણ નારાજ હોવાનું મનાય છે.

બપોરે 2 વાગ્યે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના આ મુદ્દો ઉઠાવવા બદલ વકીલે માફી માંગી હતી અને કાગળો તપાસવા આગ્રહ કર્યો હતો. જસ્ટિસ મોહનાએ આ રીતે મુદ્દો ઉઠાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

CJI સૂર્યકાંતે વકીલને શાંતિ રાખવા કહ્યું અને જણાવ્યું કે, "અમે જોઈશું, તમે થોડી રાહ જુઓ." જોકે, વકીલે રાહ જોવાનો ઇનકાર કરીને CJI પર વ્યક્તિગત પ્રહાર કરતાં કહ્યું, "ના, હું રાહ નહીં જોઉં. તમે તે ખુરશી પર બેસી શકો નહીં, તમે તેના લાયક નથી. તમારામાં તે માટેની પ્રામાણિકતા નથી!" વકીલે જણાવ્યું કે તે બેન્ચમાં સામેલ જસ્ટિસ બાગચી અને જસ્ટિસ મોહનાનું સન્માન કરે છે, પરંતુ CJI સૂર્યકાંતને આ પદ માટે યોગ્ય માનતા નથી. કોર્ટરૂમમાં હાજર અન્ય વકીલોએ પણ આ ગેરવર્તન બદલ કડક કાર્યવાહીની માંગ કરી હતી.