અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી વોર્ડમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી જ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓના રિપોર્ટ મુજબ, બિશ્નોઈ વીડિયો કોલ અથવા તેના સાગરિતોને સૂચના આપીને ખંડણી, ડ્રગ્સ અને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યો છે. આ ગેંગ ભારત ઉપરાંત કેનેડા, અમેરિકા અને યુકેમાં પણ સક્રિય હોવાનું જાણવા મળે છે.
લોરેન્સ બિશ્નોઈ મે 2023થી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303 હેઠળ તેને અન્ય રાજ્યમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેને સાબરમતી જેલમાં રાખવાનો હેતુ ગેંગની પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવાનો હતો, પરંતુ જેલમાંથી જ તેના ગેંગનું સંચાલન થઈ રહ્યું હોવાના આરોપો સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.
બિશ્નોઈએ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની મે 2022માં થયેલી હત્યા, ડિસેમ્બર 2023માં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુરખેવસિંહ ગોગામેડીની હત્યા અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં પણ તેની ગેંગની સંડોવણી સામે આવી છે. તાજેતરમાં ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગમાં પણ બિશ્નોઈની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. આ તમામ ઘટનાઓ તેના જેલમાં રહીને આપેલી સૂચનાઓના આધારે થયાની ચર્ચા છે.
ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં મેડ સંધુની હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જે બિશ્નોઈ ગેંગ માટે કામ કરતા હતા. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી પણ આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પકડાયા છે. જોકે, ગુજરાતમાં ગેંગ સક્રિય હોવા અંગે પોલીસને પૂરી જાણ નથી, તેવું પણ સામે આવ્યું છે.
કેનેડાની પોલીસે થોડા સમય પહેલા દાવો કર્યો હતો કે લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની જેલમાંથી જ આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક ચલાવી રહ્યો છે. ગેંગના કેનેડા અને અમેરિકાના સંચાલનની જવાબદારી ગોલ્ડી બ્રારને સોંપાઈ છે, જ્યારે યુરોપમાં રોહિત ગોદારાની મદદથી ગેંગ ચાલે છે. આ અંગે ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા પણ તપાસ ચાલી રહી છે.