સત્ય. સાહસ. સંકલ્પ.

યુક્રેનમાં પશ્ચિમી સેના તૈનાત થશે તો રશિયા તેને યુદ્ધ ગણશે: લાવ્રોવની ચેતવણી

યુક્રેનમાં પશ્ચિમી સેના તૈનાત થશે તો રશિયા તેને યુદ્ધ ગણશે: લાવ્રોવની ચેતવણી

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે યેકાટેરિનબર્ગમાં જણાવ્યું છે કે જો યુક્રેનમાં પશ્ચિમી દેશોની સેના તૈનાત કરવામાં આવશે, તો રશિયા તેને સીધા યુદ્ધની જાહેરાત તરીકે ગણશે. યેકાટેરિનબર્ગમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ યુથ દરમિયાન તેમણે આ ચેતવણી આપી હતી.

લાવ્રોવે કહ્યું કે જો યુરોપ રશિયા સામે યુદ્ધની તૈયારી કરીને હુમલો કરશે, તો તે યુદ્ધ ટૂંકું અને અલગ પ્રકારનું સાબિત થશે. તેમણે ફરી એક વાર સ્પષ્ટ કર્યું કે રશિયા આ સંઘર્ષમાં સામેલ થવા માંગતું નથી, પરંતુ દેશની સુરક્ષા અને અખંડિતતા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.

વાટાઘાટો અને રાજદ્વારી ઉકેલ અંગે લાવ્રોવે કહ્યું કે મોસ્કો શાંતિપૂર્ણ સમાધાન માટે હંમેશાં તૈયાર છે, જેમાં અમેરિકા દ્વારા સૂચવાયેલું ત્રિપક્ષીય ફોર્મેટ પણ સામેલ છે. તેમણે કહ્યું કે સંઘર્ષના મૂળ કારણો દૂર કરવા અને રશિયન ભાષી લોકો તથા ઓર્થોડોક્સ ધર્મના અનુયાયીઓના અધિકારોનું રક્ષણ કરવું એ વિશેષ લશ્કરી ઓપરેશનના સ્પષ્ટ ઉદ્દેશ્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા નક્કી કરાયેલા આ લક્ષ્યો પૂરા થવાથી માત્ર આ સંકટ નહીં નિકળે, પણ યુરોપ અને યુરેશિયામાં આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત નવી વૈશ્વિક વ્યવસ્થા ઊભી કરવામાં પણ મદદ મળશે તેમ તેમણે ઉમેર્યું.

નાટોના વિસ્તરણ અંગે રશિયાએ પોતાનું જૂનું વલણ ફરી દોહરાવ્યું છે. લાવ્રોવે સ્પષ્ટ કર્યું કે રશિયા યુક્રેન મુદ્દે વાજબી સમાધાન શોધવા તૈયાર છે, પરંતુ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સરહદો પર નાટોની હાજરી રોકવાના મૂળભૂત ઉદ્દેશ્યોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

અમેરિકાની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે યુક્રેનમાં શાંતિ સ્થાપવા અમેરિકા દ્વારા લેવાતા રસને રશિયા આવકારે છે. અન્ય પશ્ચિમી દેશોથી વિપરીત અમેરિકા આ સંઘર્ષના મૂળ કારણો સમજી રહ્યું છે તેવો દાવો તેમણે કર્યો. રશિયાએ ક્યારેય વાતચીતનો ઇનકાર કર્યો નથી અને તે દ્વિપક્ષીય તેમજ ત્રિપક્ષીય બંને ફોર્મેટમાં બેઠક યોજવા તૈયાર છે, જેનાથી આગળના સમયમાં રાજદ્વારી સ્તરે નવો વિકાસ થઈ શકે છે.