સત્ય. સાહસ. સંકલ્પ.

લવાલ ગામે મહિપતસિંહ ચૌહાણના પુત્ર પર 9 શખસોએ હુમલો કર્યો, માથામાં લોખંડની પાઇપ મારી

લવાલ ગામે મહિપતસિંહ ચૌહાણના પુત્ર પર 9 શખસોએ હુમલો કર્યો, માથામાં લોખંડની પાઇપ મારી

ખેડા જિલ્લાના માતર તાલુકાના લવાલ ગામમાં સોશિયલ મીડિયા પર સમાજસેવાની રિલ્સ અપલોડ કરવાના મુદ્દે થયેલા વિવાદમાં હુમલાની ઘટના સામે આવી છે. સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણના પુત્ર ક્રિષ્નપાલસિંહ ચૌહાણ પર નવ શખસોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ માતર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, ક્રિષ્નપાલસિંહ કોલેજમાં અભ્યાસ કરે છે અને તેમના પિતા દ્વારા સંચાલિત મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનના વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ ટેકો આશ્રમ અને શિક્ષણ સંકુલની સમાજસેવાકીય પ્રવૃત્તિઓના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હતા. આ બાબત ગામના કેટલાક શખસોને પસંદ ન હોવાથી તેઓ વારંવાર ઝઘડો કરતા હતા.

રવિવારે રાત્રે યુવક જમીને ગામના ગેટ પાસે ઊભો હતો ત્યારે મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ સહિત નવ શખસો ત્યાં આવી પહોંચ્યા અને રિલ્સ કેમ અપલોડ કરે છે તેમ કહી ગાળો આપવા લાગ્યા. યુવકે ગાળો બોલવાની ના પાડતાં મહાવીરસિંહે લોખંડની પાઇપથી તેના માથામાં જમણી બાજુ ફટકો માર્યો, જેથી ગંભીર ઇજા થઈ અને લોહી વહેવા લાગ્યું. ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ ભેગા મળી યુવકને માર માર્યો.

યુવકની બૂમાબૂમ સાંભળીને તેના કાકા મુકેશકુમાર સરદારસિંહ ચૌહાણ અને મિત્ર રાજવીરસિંહ હિતેશસિંહ ચૌહાણ વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ ગાળો આપી માર માર્યો. આસપાસના લોકો ભેગા થઈ જતાં યુવકને વધુ મારમાંથી છોડાવવામાં આવ્યો. જતા સમયે આરોપીઓએ હવે પછી નામ લીધું તો જીવતો નહીં છોડીએ તેવી ધમકી આપી હતી.

માથામાંથી સતત લોહી વહેતું હોવાથી યુવકે ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ફોન કર્યો. ત્યારબાદ કાકા અને મિત્ર તેને તાત્કાલિક ખેડાની વેદ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ક્રિષ્નપાલસિંહની ફરિયાદના આધારે માતર પોલીસે મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આરોપીઓમાં મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ, હંસરાજસિંહ ચન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ અજીતસિંહ ચૌહાણ, રોનકસિંહ મહેન્દ્રસિંહ મહીડા, વિશાલ જોરૂભા ચૌહાણ, ધ્રુવરાજ ભરતસિંહ વાઘેલા, કિશોરસિંહ મનુભાઈ ચૌહાણ, મહેન્દ્રસિંહ તખુભા મહિડા અને ચન્દ્રસિંહ નટવરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, મહિપતસિંહ ચૌહાણ લવાલ ગામના વતની, સામાજિક કાર્યકર અને મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેઓ 'માહી સરપંચ' તરીકે પણ ઓળખાય છે. 2017માં લવાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટી તરફથી માતર અને ખંભાત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. શ્રમિકોના પગાર, અધિકારો અને જરૂરિયાતમંદ લોકોના પ્રશ્નો માટે તેમણે વિવિધ રજૂઆતો અને આંદોલનો કર્યા છે. ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધાશ્રમ, શૈક્ષણિક સંકુલ અને અનાથ દીકરીઓના સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓ ચલાવે છે. માર્ચ 2026માં તેમના દ્વારા 101 માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા.

ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મહિપતસિંહ ચૌહાણ અને જયેશ રાઠોડ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ અને આક્ષેપબાજી થઈ હતી. જયેશ રાઠોડ અને અન્ય વિરોધ કરનારાઓએ મહિપતસિંહની કમાણી, 50 લાખની ગાડી, કરોડોની સંપત્તિ અને ફાઉન્ડેશનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોપટ આહીર અને મહિપતસિંહ સામે 1.60 કરોડની છેતરપિંડીના આક્ષેપો અંગે દિલીપ પટેલ (મામા) સાથે જોડીને અફવાઓ વહેતી થઈ હતી. આ અંગે મહિપતસિંહે વિડિયો જાહેર કરીને તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા અને તેને પોતાની બદનામી કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. થોડા દિવસો પહેલા જ આ વિવાદનો અંત આવ્યો હતો, જેમાં જયેશ રાઠોડે માફી માંગી હતી.