અમેરિકામાં એક મુસાફરની મજાક ભારે પડી છે. લાસ વેગાસથી ન્યૂ જર્સીની નેવાર્ક જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં 25 વર્ષીય ડાન્ટે મિલ્ન નામના યુવકે તેના સહકર્મીને 'હું હાઇજેક કરવા જઈ રહ્યો છું' એવો સંદેશ મોકલ્યો હતો. આ સંદેશ ફ્લાઇટ અટેન્ડન્ટની નજરે પડતાં જ સુરક્ષા એલર્ટ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, વિમાન હવામાં 10,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ પાયલટે સુરક્ષા પ્રોટોકોલ હેઠળ તાત્કાલિક વિમાનને પરત લાસ વેગાસ એરપોર્ટ પર લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. વિમાન લેન્ડ થતાં જ સુરક્ષા દળોએ ડાન્ટે મિલ્નની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં ડાન્ટે મિલ્ને જણાવ્યું કે તે અંડરવોટર વેલ્ડિંગનું કામ કરે છે અને તાલીમ માટે લાસ વેગાસ આવ્યો હતો. તેણે દારૂના નશામાં તેના સહકર્મી સાથે મજાક કરી હોવાનો દાવો કર્યો છે. તેનો ઇરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો, તેમ છતાં તેના પર આતંકવાદી ઘટનાથી જોડાયેલી ખોટી માહિતી આપવા અને ધમકી આપવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે.
સુરક્ષા એજન્સીઓ વિમાનમાં આવી બેજવાબદાર મજાકો સામે કડક વલણ અપનાવે છે, કારણ કે તેનાથી મુસાફરોની સુરક્ષા અને ફ્લાઇટની કામગીરી પર ગંભીર અસર પડી શકે છે.